વોશિંગ્ટનઃ ‘ટાઈમ’ મેગેઝિને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પર્સન ઓફ ધ યર 2024 તરીકે જાહેર કર્યા છે. ટ્રમ્પને બીજી વાર આ સન્માન મળ્યું છે. આ પહેલા ટ્રમ્પને 2016માં ‘ટાઈમ’ દ્વારા પર્સન ઓફ ધ યર જાહેર કરાયા છે. મેગેઝિન દ્વારા 12 ડિસેમ્બરે આ જાહેરાત કરાઇ હતી. ગયા વર્ષે ‘ટાઈમ’ મેગેઝિન દ્વારા પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટને પર્સન ઓફ ધ યર જાહેર કરાઇ હતી. ‘ટાઈમ’ મેગેઝિન દ્વારા દર વર્ષે વ્યક્તિ અથવા ગ્રૂપને પર્સન ઓફ ધ યર તરીકે જાહેર કરાય છે. તેમાં એવી વ્યક્તિઓ જેમણે સારું કર્યુ હોય કે ખરાબ કાર્ય કર્યુ હોય અને જેનાથી વિશ્વને આકાર મળ્યો હોય તેમને પસંદ કરાય છે. ટ્રમ્પ બીજી વાર અમેરિકી પ્રમુખ બનવાને કારણે તથા ડેમોક્રેટીક પક્ષ સામે તેમણે જે રીતે ટક્કર લીધી અને બાઈડેનને ચૂંટણીમાંથી બહાર હાંકી કાઢ્યા તે માટે તેમને શક્તિશાળી ગણી ફરી પર્સન ઓફ ધ યર તરીકે જાહેર કરાયા છે.