નવી દિલ્હી: વિશ્વની સૌથી મોટી સત્તાની બાગડોર સંભાળવા ડોનાલ્ડ ટ્રમ્પ તૈયાર છે. ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા જાણીતી છે. મોદીએ ચૂંટણી અભિયાનમાં તેમને અગાઉ સમર્થન પણ જાહેર કર્યું હતું. આતંકવાદ સામેની લડાઈમાં ટ્રમ્પનું કડક વલણ ભારત માટે લાભદાયક સાબિત થઈ શકે તેમ છે.
પ...ણ ટ્રમ્પ સત્તા સંભાળ્યા બાદ એચવન-બી વિઝાના નિયમો વધુ આકરા બનાવે તેવી ભીતિ છે અને એમ થયું તો ગુજરાતીઓ સહિતના ભારતીયોને ફટકો પડશે. એ જ રીતે ટ્રમ્પ અગાઉ જાહેરમાં કહી ચૂક્યા છે કે, ભારત ટેરિફ કિંગ છે અને આયાતના સૌથી વધુ દરો લગાવે છે. જો તેઓ સત્તામાં વાપસી કરશે તો તેમના માલસામાન પર માત્ર ચીન નહીં, ભારતે પણ દરો ચૂકવવા પડશે. જો ટ્રમ્પ એવી કોઈ નીતિ અમલી બનાવશે તો ભારતને નુક્સાન જશે.
આતંકવાદ સામેની લડાઈ મુદ્દે ટ્રમ્પનું વલણ સ્પષ્ટ છે અને પાકિસ્તાનને તેઓ પસંદ કરતા નથી. ત્રાસવાદ સામે તેઓ વધુ કડક અભિગમ અપનાવશે અને પાક.ને અમેરિકી સહાયમાં મોટો કાપ મૂકશે તો ભારતને પણ સમર્થન આપશે એવી આશા છે.
બીજી તરફ, કારોબારની વાત આવે ત્યારે ટ્રમ્પના સૂર બદલાઇ જતા હોય છે. ભારતીય નિકાસ સંગઠનના મહામંત્રી અજય સહાયના જણાવ્યા અનુસાર અમેરિકા પોતાની ડેરી અને મેડિકલ ઉપકરણ જેવા ઉત્પાદનો માટે ભારતીય બજારમાં હિસ્સેદારીની માંગ કરી શકે છે. ટ્રમ્પ કહી ચૂક્યા છે કે, ચીન અમારાં ઉત્પાદનો પર 200 ટકા સુધી દરો લગાવે છે, બ્રાઝિલ પણ ઊંચા દરો લગાવે છે, પણ ભારત તો એ બધાથી આગળ છે. હું સત્તામાં આવીશ તો જે દેશો ઉત્પાદનો પર દરો લગાવે છે તેમણે પણ વળતા દરો ચૂકવવા પડશે.
ભારતને કયા ફાયદા?
• ભારતીય એક્સપોર્ટ સેક્ટરને સૌથી વધારે લાભ મળી શકે છે. ચાઈનિઝ પ્રોડક્ટ ઉપર હાઇ ટેરિફ છે. જે અમેરિકી માર્કેટમાં ઓટો પાર્ટસ, સૌર ઉપકરણ અને રાસાયણિક ઉત્પાદનનાં ક્ષેત્રમાં ભારતીય નિર્માતાઓની પ્રતિસ્પર્ધાને વધારી શકે છે.
• ટ્રમ્પની ફ્યુલ પોલિસી અને ચીનની ધીમી ઇકોનોમિક ગ્રોથનાં કારણે ઊર્જા પડતર ઘટી શકે છે. જેનાથી એચપીસીએલ, બીપીસીએસ, આઇઓસી જેવી ભારતીય કંપનીઓ અને આઇજીએલ અને એમજીએલ જેવી ગેસ વિતરણ કંપનીઓને ફાયદો થઈ શકે છે. મેન્યુફેક્ચરિંગ અને ડિફેન્સ સેક્ટરમાં તેજી આવી શકે છે. અમેરિકી મેન્યુફેક્ચરિંગ અને સૈન્ય ક્ષમતાને મજબૂત કરવા ઉપર તેનું ધ્યાન ભારત ડાયનેમિક્સ અને એચએએલ જેવી ભારતીય રક્ષા કંપનીઓ માટે સારું બની શકે છે.
• દુનિયાના ઘણા દેશોમાં તણાવને ટ્રમ્પ ખતમ કરી શકે છે. સપ્લાય ચેનમાં સુધરશે અને તેથી ભારતીય વેપારને ફાયદો થઈ શકે છે. ટ્રમ્પનું જોર અમેરિકી ઓદ્યોગિક વિકાસ ઉપર રહે છે. તેવામાં બન્ને દેશમાં કામ કરતી કંપનીઓને લાભ પહોંચી શકે છે.
• ટ્રમ્પનાં નેતૃત્વમાં કારોબારી માહોલમાં સુધારો થઈ શકે છે. જેનાથી સંભવિત રીતે કોર્પોરેટ ટેક્સમાં કમી આવી શકે છે.