વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન વેન્ચર કેપિટાલિસ્ટ અને ઉદ્યોગ-સાહસિક શ્રીરામ કૃષ્ણનને એઆઇ નીતિ પર પોતાના વરિષ્ઠ સલાહકાર નિયુક્ત કર્યા છે. કૃષ્ણન્ વ્હાઇટ હાઉસમાં એઆઇ અને ક્રિપ્ટો નીતિ પર નેતૃત્વ કરનારા ડેવિડ સેકની સાથે કામ કરશે. કૃષ્ણન્ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે મસ્કે ટ્વિટરની ખરીદી બાદ તેમને કાયાકલ્પ કરવાની જવાબદારી સોંપી હતી. કૃષ્ણને જ બ્લૂટિક સબસ્ક્રિપ્શનનું સૂચન કર્યું હતું. ચેન્નઈ મૂળના કૃષ્ણન્ 2005માં માઇક્રોસોફ્ટની સાથે કારકિર્દી શરૂ કરવા અમેરિકા પહોંચ્યા હતા. તેમના પત્ની આરતી પણ ચેન્નાઇના જ વતની છે. કૃષ્ણન્ ટેક્નોલોજીમાં એકાધિકારના વિરોધી રહ્યા છે. તેમણે ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં લખ્યું હતું કે કંપનીઓ એઆઇને એક ટૂલ નહીં પરંતુ એક આધારભૂત ક્ષમતાના રૂપમાં અપનાવે. આ ટેક્નોલોજી આગામી દાયકો નક્કી કરશે.