ન્યૂ યોર્ક: અમેરિકન રાજકારણના પિતામહ ગણાતા વોર વેટર્ન તેમજ અમેરિકન સમાજમાં ખૂબ ઉચ્ચ માન ધરાવતા સેનેટર જોન મેકકેઇનનું ૨૫મી ઓગસ્ટે બ્રેઈન કેન્સરના કારણે અવસાન થયું હતું. ૮૧ વર્ષીય જોન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર ટીકાકાર હતા. એરિઝોનાના છ વખતના સેનેટર અને ભારતના મિત્ર મેકકેઇનના મગજમાં વર્ષ ૨૦૦૭માં ગાંઠ બની ગઇ હતી. તેથી તેમને કિમોથેરેપી અને રેડિએશન દ્વારા સારવાર અપાતી હતી.
જોનની ઓફિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, તેઓ અમેરિકન સમય પ્રમાણે ૨૫મી ઓગસ્ટે સાંજે ૪:૨૮ મિનિટે અવસાન પામ્યા હતા. તેમના પરિવારે ૨૪મી ઓગસ્ટથી મેડિકલ સારવાર બંધ કરી હોવાની જાહેરાત કરાઈ હતી. સ્ટાર એડમિરલ પરિવારમાંથી આવતા મેકકેઇના પિતા અને દાદા અમેરિકન સૈન્યમાં એડમિરલ હતા.
યુવા નૌકા અધિકારી તરીકે પકડાઇ ગયેલા મેકકેઇનને ઉત્તર વિયેતનામમાં પાંચ વર્ષ સુધી જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. જોનનાં પત્ની સિન્ડીએ પતિના મૃત્યુ બાદ જણાવ્યું કે, હું ભાંગી પડી છું. મેં તેમની સાથે જીવનનો ૩૮ વર્ષ લાંબો સુંદર સમય વીતાવ્યો હતો. તેઓ પોતાની શરતે જીવ્યા એ રીતે જ તેઓ અવસાન પણ
પામ્યા છે.