નવી દિલ્હી: ભારત માટે પ્રમુખ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ડેડલાઇન નજીક આવતા ભારતે વેપારવાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને વોશિંગ્ટન દોડાવ્યા છે. તેઓ તેમની અગાઉથી નિર્ધારિત બધી જ બેઠકો રદ કરીને વોશિંગ્ટન પહોંચ્યા છે. આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ટ્રમ્પ આગામી દિવસોમાં ભારત સહિતના કેટલાય દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવી શકે છે.
સામાન્ય રીતે આ પ્રકારની બેઠકો પૂર્વનિર્ધારિત હોય છે, પરંતુ આ વખતે પીયૂષ ગોયલે આ રીતે અચાનક જવું પડયું તે આશ્ચર્યજનક છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રવાસમાં આઠ માર્ચ સુધીના કાર્યક્રમ નક્કી છે. ટ્રમ્પે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પહેલા ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી.
તેમણે પીએમ મોદી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત અમેરિકન ઉત્પાદનો પર વધારે વેરો નાખે છે અને હવે અમેરિકા પણ આવી જ નીતિ અપનાવવા જઈ રહ્યુ છે. તેમણે પોતાની નીતિને યોગ્ય ઠેરવી હતી. આ ઉપરાંત ગયા મહિને પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 500 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અમેરિકા ભારતના સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનરોમાં એક છે. બંને વચ્ચે ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી સુધીમાં 106 બિલિયન ડોલરનો કારોબાર થયો છે. ભારત તેની સાથે ટ્રેડ સરપ્લસ ધરાવે છે. અમેરિકા દ્વારા લાદવામાં આવનારા ટેરિફના લીધે રસાયણ, ધાતુ, ઝવેરાત અને ફૂડ પ્રોડક્ટ્સને સૌથી વધુ ફટકો પહોંચશે તેમ મનાય છે.
પીયૂષ ગોયલ તેમના અમેરિકાના પ્રવાસમાં રેસિપ્રોકલ ટેક્સને લઈને કેટલીક સ્પષ્ટતાઓ કરશે તેમ મનાય છે. આ દરમિયાન ભારત પર પડનારી તેની કેટલીક અસરોની સમીક્ષા પણ કરશે. તે ભારતીય નિકાસકારોને મળતી રાહત પર પણ ચર્ચા કરશે. તેની સાથે દ્વિપક્ષીય કારોબાર વધારવા માટે કરવામાં આવેલા વેપાર સોદાની પણ ચર્ચા કરશે.