વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોગંદવિધિ બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે સખત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે વારંવાર અમેરિકાને પ્રવાસીમુક્ત બનાવવાની વાત કરી હતી. આ મુદ્દે તેમણે યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી છે.
આ યોજનાને સાકાર કરવા માટે અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)એ દેશમાંથી હાંકી કાઢવા માટે 15 લાખ લોકોનું લિસ્ટ તૈયાર કરી દીધું છે. સમાચારો અનુસાર, આ લિસ્ટમાં 18,000 ગેરકાયદે ભારતીય પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. ગયા મહિને બહાર પડાયેલા આઈસીઈના ડેટા અનુસાર, અમેરિકામાં દેશ છોડવાના આદેશવાળા ડોકેટમાં સામેલ 15 લાખ લોકોમાં 17,940 ભારતીયો છે. તેમણે ટૂંકા ગાળામાં સ્વદેશ પાછા જવું પડી શકે છે.
11 મિલિયન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ
એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં અત્યારે ભારતમાંથી ગયેલા 7,25,000 ગેરકાયદે પ્રવાસી છે. મેક્સિકો અને અલ-સાલ્વાડોર પછી અમેરિકામાં સૌથી વધારે ગેરકાયદે પ્રવાસી ભારતના છે. જ્યારે, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2022માં અમેરિકામાં લગભગ 11 મિલિયન ગેરકાયદે પ્રવાસી વસવાટ કરે છે.
જરૂર પડ્યે સેનાનો ઉપયોગ
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર કહ્યું છે કે તેઓ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર કાઢી મૂકવા માટે તેઓ કંઈ પણ કરશે. તેમણે કહ્યું કે જરૂરિયાત ઊભી થશે તો તેના માટે યુએસ આર્મીનો પણ ઉપયોગ કરશે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ આ વાતનું પુનરાવર્તન કરશે. ટ્રમ્પે કહ્યું કે કોઈ દેશમાં ગેરકાયદે ઘૂસવું કે આક્રમણ કરવા બરાબર છે, તેને અટકાવવાની જરૂર છે. ટ્રમ્પે કહ્યું કે, હું આને આપણા દેશ પર આક્રમણ માનું છું, હું નથી ઇચ્છતો કે તેઓ આગામી 20 વર્ષ સુધી શિબિરમાં બેસી રહે. હું ઇચ્છું છું કે તેઓ બહાર નીકળે અને તેમણે પોતાના દેશમાં પાછા જવું પડશે.