વોશિંગ્ટનઃ ડોનાલ્ટ ટ્રમ્પના જાણીતા સહાયક પૈકીના એક ગુજરાતી રાજ શાહને અમેરિકન પ્રમુખ દ્વારા તેમની કમ્યુનિકેશન ટીમના એક મહત્ત્વના સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે. અમેરિકાના ૪૫મા પ્રમુખ બનનાર કરોડપતિ ટ્રમ્પ પ્રમુખ બન્યાના થોડા કલાકોમાં જ ૩૨ વર્ષના શાહ વ્હાઇટ હાઉસમાં પહોંચનારા ગણ્યાગાંઠ્યા લોકોમાંથી પણ પ્રથમ હતા.
અગાઉ તેમણે નાયબ સહાયક અને નાયબ સંદેશા વ્યવહાર ડાયરેકટર તરીકે સેવા આપી હતી. એપ્રિલમાં શાહને હોપ હિક્સ અને એલી મિલર સાથે વ્હાઇટ હાઉસમાં વેસ્ટ વિંગમાં ત્રણ શક્તિશાળી વ્યક્તિઓ પૈકીના એક તરીકે પસંદ કરાયા હતા. રાજ શાહ પ્રમુખના નાયબ સહાયક અને અગ્ર નાયબ પ્રેસ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે. એવું વ્હાઇટ હાઉસના એક નિવેદનમાં જણાવાયું હતું. ટ્રમ્પે તેમના વિશ્વાસપાત્ર હોપ હિસ્કને કમ્યુનિકેશન ડાયરેકટર તરીકે નિમ્યા હતા.
રાજ શાહ વ્હાઈટ હાઉસમાં આવ્યા તે પહેલા રિપબ્લિકન નેશનલ કમિટીમાં ઓપોઝિશન રિસર્ચમાં હતા. ટ્રમ્પના પ્રમુખપદના હરીફ હિલેરી સામેના તથ્યો શોધવા માટેની ટીમના તેઓ નેતા હતા. પ્રમુખપદની ચૂંટણીના પ્રચારમાં હિલેરી વિરુદ્ધની ઝુંબેશમાં તેઓ અગ્રીમ હરોળમાં હતા. કનિકટીકટમાં જન્મેલા રાજ શાહના માતા-પિતા ગુજરાતના છે અને એંસીના દાયકામાં તેઓ અમેરિકા આવ્યા હતા. તેમના માતા ભુજપર, કચ્છનાં છે.