ટ્રમ્પની ગાલા ડિનર પાર્ટીમાં મુકેશ-નીતા અંબાણી, કલ્પેશ મહેતા, પંકજ બંસલ દંપતી ખાસ અતિથિ

Wednesday 22nd January 2025 04:27 EST
 
 

વોશિંગ્ટનઃ પ્રમુખપદે ટ્રમ્પની શપથવિધી પહેલાં યોજાયેલા કેન્ડલલાઈટ ડિનરમાં ભારતીય ચહેરા પણ જોવા મળતા હતા. જેમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણી ઉપરાંત ટ્રમ્પના ભારતમાં ભાગીદાર કલ્પેશ મહેતા, એમથ્રીએમ ડેવલપર્સના મેનેજિંગ ડિરેક્ટર પંકજ બંસલ તથા તેમના પત્ની સ્માર્ટ વર્લ્ડ ડેવલપર્સનાં કો-ફાઉન્ડર ઐશ્વર્યા બંસલનો સમાવેશ થાય છે. આ તમામે સોશિયલ મીડિયા પર ટ્રમ્પ સાથેની તસવીરો પણ મૂકી છે. ડિનરમાં એલન મસ્ક, જેફ બેઝોસ સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા.
શપથવિધી પૂર્વે યોજાયેલાં કેન્ડલલાઈટ ડિનરમાં માત્ર 100 લોકોને નિમંત્રણ અપાયું હતું. આ પૈકી મુકેશ અંબાણી અને નીતા અંબાણીને બીજી હરોળમાં મૂકાયેલાં ટેબલ પર સ્થાન આપાયું હતું. પહેલી હરોળમાં ટ્રમ્પના પરિવારજનો તેમજ ટ્રમ્પની નવી કેબિનેટના સભ્યો પરિવાર સાથે હતા. ટ્રમ્પે તમામ મહેમાનોને ડિનરના પ્રારંભ પહેલાં સંબોધન પણ કર્યું હતું. એ વખતે ટ્રમ્પે સૌથી આગળ ઉભા રહેલા મુકેશ અંબાણીનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો.
કેન્ડલલાઈટ ડિનરમાં હાજર રહેલા કલ્પેશ મહેતા ટ્રિબેકા ડેવલપર્સના સ્થાપક છે અને ભારતમાં ટ્રમ્પ ટાવર્સ લાવવાનું શ્રેય તેમની કંપનીને અપાય છે. અમેરિકામાં કલ્પેશ મહેતા લેહમેન બ્રધર્સ રિયલ એસ્ટેટ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ અને કાર્લાઈલ ગ્રૂપ રિયલ એસ્ટેટ પ્રાઈવેટ ઈક્વિટીમાં કામ કરી ચૂક્યા છે. બંસલ દંપતી પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ગણાય છે અને ભારતમાં ટ્રમ્પ સાથે ભાગીદારી કરી ચૂક્યું છે. ટ્રમ્પના ઈલેક્શન કેમ્પેઈનમાં તેમણે પણ મોટું ફંડ આપ્યું હોવાનું મનાય છે.
એક મિલિયન ડોલરથી વધુ યોગદાન
ટ્રમ્પના ચૂંટણીપ્રચારમાં ભંડોળ આપનાર લોકોને કેન્ડલ લાઇટ ડિનર અને શપથવિધિ સમારંભમાં આમંત્રણ અપાયું હતું. જેમણે 5 લાખ ડોલર કે વધારેનું યોગદાન આપ્યું હોય તેમને શપથવિધીમાં હાજરી માટેનાં કાર્ડ અપાયાં હતાં જ્યારે 10 લાખ ડોલર (આશરે 8.70 કરોડ રૂપિયા) કે તેથી વધુનું યોગદાન આપ્યું હોય તેમને રવિવારના કેન્ડલ લાઈટ ડિનર અને શપથવિધિ સમારોહ એમ બન્ને કાર્યક્રમ માટે આમંત્રણ અપાયા હતા. મુકેશ અને નીતા અંબાણી ઉપરાંત કલ્પેશ મહેતા તેમજ બંસલ દંપતીને આ કારણે જ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા સાથે કેન્ડલલાઈટ ડિનર માટે પણ નિમંત્રણ મળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter