વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમના પાંચ ભારતવંશીઓમાં સૌથી મહત્ત્વના વિવેક રામાસ્વામી છે. તેમને ડોજી સહપ્રમુખ બનાવાયા છે. જ્યારે મધ્ય ગુજરાતના વતની એવા ગુજરાતી કાશ પટેલ એફબીઆઈ ચીફ, શ્રીરામ કૃષ્ણન્ એઆઈ એડવાઈઝર, જય ભટ્ટાચાર્ય હેલ્થ સર્વિસ ચીફ જ્યારે હરમીત ઢિલ્લોં સહાયક એટર્ની જનરલ નોમિનેટ થયા છે. સંભવતઃ તુલસી ગબાર્ડને નેશનલ ઈન્ટેલિજન્સનાં ચીફ તરીકે કાર્યભાર સોંપાય તેવી શક્યતા છે.
35 વર્ષમાં સૌથી યુવા કેબિનેટઃ ધનવાનોનો દબદબો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેનાર સૌથી વયસ્ક વ્યક્તિ છે. જોકે, તેમણે તેમની સરકારના સંચાલન માટે છેલ્લાં 35 વર્ષમાં સૌથી યુવા કેબિનેટની પસંદગી કરી છે. આ પહેલાં 1989માં બુશ સિનિયરની કેબિનેટની સરેરાશ ઉંમર 51.5 વર્ષ હતી. આ પસંદગીએ તેમની ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ મુવમેન્ટને નવી પેઢી સુધી પહોંચાડવાની રણનીતિ દર્શાવી છે. ટ્રમ્પની ટીમની સરેરાશ વય 54.1 વર્ષ છે. બીજી બાજુ, ટ્રમ્પ કેબિનેટ સંપત્તિના મુદ્દે ઈતિહાસની સૌથી અમીર કેબિનેટ છે. જેમાં બિલિયોનેર અને કરોડપતિ વધુ છે, કેબિનેટ સભ્યોની કુલ સંપત્તિ આશરે 30 લાખ કરોડ રૂપિયા છે. ટ્રમ્પના બીજા કાર્યકાળ માટે પસંદ કરાયેલા 11 પ્રધાનપદના ઉમેદવાર કે તેના જીવનસાથી અબજોપતિ છે. ટ્રમ્પ 2.0ની કેબિનેટ બાઈડેન કેબિનેટથી 2,881 ગણી અમીર છે.