વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિ ૩૯૦૦ કરોડ રૂપિયા ઘટીને ૨૦૧૫૦ કરોડ રૂપિયા થઈ છે. ફોર્બ્સની તાજેતરમાં જાહેર થયેલી ૪૦૦ સૌથી ધનવાન અમેરિકનોની યાદીમાં માહિતી આપવામાં આવી છે. યાદીમાં અમેરિકી ધનાઢ્યોમાં ટ્રમ્પ ૨૪૮મા ક્રમે છે. ગત વર્ષે તેઓ ૧૫૬મા ક્રમે હતા એટલે કે તેઓ ૯૨ ક્રમ પાછળ ધકેલાઈ ગયા છે. અગાઉ તેમની સંપત્તિ ૨૪૦૫૦ કરોડ રૂપિયા હતી.
ટ્રમ્પની સંપત્તિમાં ઘટાડાનું મુખ્ય કારણ રિયલ એસ્ટેટમાં આવેલી મંદી અને પ્રોપર્ટી બજારમાં ઘટેલા ભાવો જવાબદાર ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટ્રમ્પે પોતાની સંપત્તિ ૬૫૦૦૦ કરોડ રૂપિયા બતાવી હતી. જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૫માં ફોર્બ્સે તેમની સંપત્તિનું આકલન ૨૯૨૫૦ કરોડ રૂપિયા કર્યું હતું. ફોર્બ્સના જણાવ્યા અનુસાર છેલ્લાં બે વર્ષમાં ટ્રમ્પની સંપત્તિમાં ૩૧ ટકાનો ઘટાડો થયો છે.