વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગને વિખેરી નાંખ્યો છે. ટ્રમ્પે ગયા ગુરુવારે નાટકીય અંદાજમાં ક્લાસરૂમના માહોલમાં સ્કૂલના બાળકો વચ્ચે બેસીને આ અંગેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. રાષ્ટ્રપતિની બન્ને તરફ સ્કૂલના બાળકો બેઠા હતા. તેઓ તમામ ટ્રમ્પની નકલ કરી રહ્યા હતા. જ્યારે ટ્રમ્પે સહી કરવા પોતાની માર્કર પેન ખોલી હતી ત્યારે બાળકોએ પણ તેવું જ કર્યું હતું. સાઈન કરીને ટ્રમ્પે કાગળને કેમેરા તરફ દેખાડતા તેને પોતાના હાથમાં ઉપાડયો હતો, ત્યારે બાળકોએ પણ પોત-પોતાના હાથમાં રહેલા કાગળને લહેરાવ્યા હતા. અમેરિકન સંસદની મંજૂરી વિના જ ટ્રમ્પે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે, જેનો વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સહી કરતા પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે મારી સરકાર શિક્ષણ વિભાગને બંધ કરવા તમામ જરૂરી પગલા ભરશે. અમે જલ્દી જ તેને બંધ કરી દઈશું.’