વોશિંગ્ટન: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ માટે સત્તા સંભાળ્યા બાદ મેક્સિકો, કેનેડા, ચીન સહિત અનેક દેશો સામે ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું છે. ભારત હજુ સુધી ટ્રમ્પના ટેરિફથી બચવામાં સફળ રહ્યું છે. ભારત અને અમેરિકા ટેરિફ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. તેવામાં અમેરિકન પ્રમુખે શુક્રવારે જાહેરાત કરી દીધી કે ભારત અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા સંમત થઈ ગયું છે. ટ્રમ્પના આ દાવાઓ બાદ કોંગ્રેસે સરકારને ઘેરી છે અને ટેરિફ મુદ્દે દેશને અંધારામાં રાખવાનો આક્ષેપ કર્યો છે. જોકે, સરકારી સૂત્રોના દાવા મુજબ ભારત-અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી. હજુ સુધી આ બાબતે માત્ર વાટાઘાટો ચાલુ છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે શુક્રવારે પત્રકારોને જણાવ્યું કે, ભારત અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા અને તેમનું કૃષિ બજાર અમેરિકન ઉત્પાદનો માટે ખોલવા તૈયાર થઈ ગયું છે. અમે ભારતને દુનિયા સામે ઉઘાડું પાડી દીધું છે. ભારત અમેરિકા પાસેથી ભારે ટેરિફ વસૂલ કરે છે. તમે ભારતમાં કંઈપણ વેચી શકતા નથી પણ હવે ભારત ટેરિફમાં ઘટાડો કરવા માંગે છે કારણ કે આખરે કોઈ તો તેમને તેમનાં કૃત્યો માટે ઉઘાડા પાડી રહ્યું છે. ભારતે અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફ નાંખીને જાણે કોઈ મોટો ગૂનો કર્યો હોય તેવી ભાષામાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વાત કરી રહ્યા છે. આમ છતાં ભારત સરકારે આ મુદ્દે કોઈ ટીપ્પણી કરી નથી અને ભેદી મૌન ધારણ કરી રાખ્યું છે. ભારતમાં સોમવારથી બજેટ સત્રના બીજા ભાગરૂપે સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી કોંગ્રેસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાની તક મળી ગઈ છે.