વોશિંગ્ટનઃ વિશ્વના ઘણા દેશોમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન અમેરિકામાં સેલ્ફ ડ્રાઇવિંગ કારે રસ્તા પર એક મહિલાને તાજેતરમાં કચડી નાંખી હતી. સેલ્ફ ડ્રાઇવિંગ કારની આ પહેલી દુર્ઘટના હોવાનું કહેવાય છે. અમેરિકાના એરિઝોનામાં ઉબરની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ટ્રાયલ ડ્રાઈવિંગ હતું. દુર્ઘટના બાદ ઉબરે આ ટ્રાયલ હાલ પૂરતું રદ કર્યું છે. પોલીસના કહેવા પ્રમાણે દુર્ઘટના સર્જાઈ તે વખતે કાર ઓટોમેટિક મોડમાં હતી અને ઓપરેટર પાછલી સીટ પર બેઠો હતો. જોકે, તે કાર પર કાબૂ મેળવવા જાય ત્યાં સુધીમાં તો દુર્ઘટના સર્જાઈ ગઈ. ઉબર દ્વારા એરિઝોનાના ફિનિક્સ અને ટેમ્પેમાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. કંપની આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કો, પિટ્સબર્ગ અને ટોરન્ટો જેવા શહેરોમાં પણ સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સના ટ્રાયલ કરી રહી છે.