નવી દિલ્હીઃ ટ્રેડમાર્કના ઉલ્લંઘનના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઓનલાઈન માર્કેટ પ્લેસ કંપની એમેઝોન ઈન્ડિયાને રૂ. 337 કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. દેશમાં ટ્રેડમાર્કના ઉલ્લંઘનના કેસમાં અત્યાર સુધીમાં અપાયેલું આ સૌથી વધુ વળતર છે. ટ્રેડમાર્ક કાયદા હેઠળ કોઈ અમેરિકન કંપનીની વિરુદ્ધ અપાયેલો આ ચુકાદો ઐતિહાસિક હોવાનું કાનૂની નિષ્ણાતોનું માનવું છે. બેવરલી હિલ્સ પોલો ક્લબ (બીએચપીસી) હોર્સ ટ્રેડમાર્કની માલિકી ધરાવતી કંપની લાઈફસ્ટાઈલ ઈક્વિટીઝ દ્વારા દાખલ કરાયેલા કેસમાં કંપનીએ દાવો કર્યો હતો કે, એમેઝોન ઈન્ડિયા દ્વારા સમાન લોગો સાથે નીચી કિંમતે વસ્ત્રોનું વેચાણ કરાઈ રહ્યું છે.
લાઈફસ્ટાઈલ ઈક્વિટીઝ દ્વારા 2020માં એમેઝોનની ભારતીય વેબસાઈટ વિરુદ્ધ આ કેસ દાખલ કરાયો હતો. જેમાં કંપનીએ જણાવ્યું હતું કે, એમેઝોન ટેક્નોલોજીસ દ્વારા અમારી બ્રાન્ડની નકલ કરી સમાન લોગો સાથે એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ પર સસ્તાં દરે વસ્ત્રોનું વેચાણ કરાઈ રહ્યું છે. જોકે એમેઝોને તેની સામે કરાયેલાં આક્ષેપોને નકારી કાઢ્યાં હતાં. એમેઝોનના ભારત અને અમેરિકાના પ્રવક્તાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં આપેલાં 85 પાનાનાં ચુકાદામાં નોંધ્યું હતું કે, એમેઝોન દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલા લોગો અને લાઈફસ્ટાઈલ ઈક્વિટીઝની માલિકીના મૂળ લોગો વચ્ચે તફાવત પારખવો મુશ્કેલ છે.