લંડનઃ સિટીના ત્રણ પૂર્વ ટ્રેડરને દૈનિક ૫.૩ ટ્રિલિયન ડોલરના ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ગેરરીતિ આચરવા બદલ અમેરિકન પ્રોસીક્યુટર્સ દ્વારા આરોપો લગાવાયા છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ ચાર્જમાં મહત્તમ ૧૦ વર્ષના કારાવાસ અને એક મિલિયન ડોલર દંડની જોગવાઈ છે. કથિત ગુનાથી મળેલા લાભના બે ગણા અથવા વિક્ટિમ્સને થયેલા નુકસાનની બે ગણી રકમ સુધી પણ દંડ વધારી શકાય છે.
બાર્કલે ખાતે સ્પોટ ટ્રેડિંગના પૂર્વ ગ્લોબલ હેડ ક્રિસ એશ્ટન, જેપી મોર્ગનના પૂર્વ ડીલર રિચાર્ડ અશર તેમજ સિટી ગ્રૂપના પૂર્વ કર્મચારી રોહન રામચંદાની વિરુદ્ધ કરન્સી માર્કેટમાં યુએસ ડોલર અને યુરોની કિંમતો મેનિપ્યુલેટ કરવાના ક્રિમિનલ ચાર્જ ૧૦ જાન્યુઆરીએ લાગ્યા હતા. આ ત્રણ ટ્રેડર ‘કાર્ટેલ’ નામે ઓળખાતા ઓનલાઈન ચેટરુમનો હિસ્સો હતા. કાર્ટેલનો ચોથો સભ્ય અને સ્વિસ બેન્ક યુબીએસનો પૂર્વ કર્મચારી મેટ ગાર્ડનર યુએસના જસ્ટિસ ડિપાર્ટમેન્ટને મદદ કરી રહ્યો છે.
આરોપી ત્રિપુટી બ્રિટનમાં રહેતી હોવાથી તેમણે સ્વૈચ્છિકપણે આરોપોનો સામનો કરવા યુએસ જવું પડશે અથવા યુએસ સત્તાવાળાએ તેમના પ્રત્યાર્પણની માગણી બ્રિટન સમક્ષ કરવી પડશે.