ડેમોક્રેટ કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટીમ વોલ્ઝ પર પસંદગી ઉતારી

Wednesday 07th August 2024 06:32 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે ટિમ વોલ્ઝને તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ટિમ વોલ્ઝ આ સપ્તાહના ચૂંટણી પ્રચાર દરમિયાન કમલા હેરિસ સાથે જોવા મળશે.
અહેવાલ મુજબ, ડેમોક્રેટિક ઉપરાષ્ટ્રપતિ પદ માટે બે નામો પર ચર્ચા ચાલી રહી હતી. પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરો અને મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝ. અલબત્ત, કમલા હેરિસ કે ડેમોક્રેટિક પાર્ટી દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. ટિમ વોલ્ઝ રાષ્ટ્રપતિ જો બાઈડેન અને કમલા હેરિસ બંનેના સમર્થક રહ્યા છે. બાઈડેન પ્રમુખપદની રેસમાંથી બહાર થયા પછી, ટિમ વાલ્ઝે બીજા દિવસે કમલા હેરિસને ટેકો આપ્યો અને ટ્રમ્પને ઉગ્રતાથી નિશાન બનાવ્યા હતા.
કોણ છે ટિમ વોલ્ઝ?
રાજનીતિમાં આવતા પહેલા ટિમ વોલ્ઝ મિનેસોટાના મેનકાટોમાં હાઈસ્કૂલના શિક્ષક અને ફૂટબોલ કોચ હતા. ટિમ વોલ્ઝે આર્મી નેશનલ ગાર્ડમાં 24 વર્ષ સુધી સેવા આપી, માસ્ટર સાર્જન્ટ તરીકે નિવૃત્ત થયા. ટિમ 2006માં મિનેસોટાના પહેલા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયા હતા. કોંગ્રેસમાં તેમના કાર્યકાળ દરમિયાન શિક્ષણ અને કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 2018 માં, ટિમ વોલ્ઝ મિનેસોટાના ગવર્નર તરીકે ચૂંટાયા હતા. તેમના કાર્યકાળમાં નોંધપાત્ર પડકારોનો સમાવેશ થાય છે, જેમાંથી સૌથી નોંધપાત્ર કોવિડ-19 મહામારી હતી.
કમલા હેરિસ સાથે કામ કરશે
વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે રાષ્ટ્રપતિપદ માટે પાર્ટીના ઉમેદવાર બનવા માટે પૂરતા ડેમોક્રેટિક ડેલિગેટ વોટ મેળવ્યા હતા, ત્યારબાદ સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીએ હેરિસને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ડેમોક્રેટિક નેશનલ કમિટીના અધ્યક્ષ જેમે હેરિસને કહ્યું હતું કે વર્ચ્યુઅલ મતદાન સોમવારે સમાપ્ત થયું છે, પરંતુ કમલા હેરિસને બહુમતી પ્રતિનિધિઓ માટે જરૂરી મત મળ્યા હતા. કમલા હેરિસ ભારતીય-આફ્રિકન મૂળની પ્રથમ મહિલા છે જેને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. પાર્ટીના નેતા જેમે હેરિસને કહ્યું કે અમે ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે મળીને કામ કરીશું અને આ મહિનાના અંતમાં શિકાગોમાં અમારા સંમેલન દરમિયાન અમારી પાર્ટીની તાકાતનું પ્રદર્શન કરીશું.
કમલા 4 સ્ટેટમાં, બેમાં ટ્રમ્પ આગળ
અમેરિકાની ચૂંટણીમાં લીડમાં વધારો અને ઘટાડો જારી છે. પ્રમુખ જો બાઈડેનની ચૂંટણી મેદાનમાંથી ખસી જવાની જાહેરાતના 10 દિવસ બાદ કમલા હેરિસે બાજી પલટી નાંખી છે. અમેરિકાનાં 7 મુખ્ય રાજ્યોમાંથી કમલા 4માં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ છે. ટ્રમ્પ માત્ર 2 રાજ્યમાં આગળ છે. જ્યારે બાઈડેન ચૂંટણીના મેદાનમાં હતા ત્યારે તેઓ ટ્રમ્પથી પાછળ હતા.
સટ્ટાબજારમાં કમલા ફેવરિટ
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ડેમોક્રેટ કમલા હેરિસની જીતની શક્યતા અમેરિકી સટ્ટાબજારમાં ઓલ ટાઈમ હાઈ થઈ ચૂકી છે. ચૂંટણીપ્રચાર વેગ પકડી રહ્યો છે તેમ કમલાની લોકપ્રિયતા વધી રહી છે. સટ્ટાબેટિંગના કેટલાક પ્લેટફોર્મ પર તો કમલાની જીતની શક્યતા ટ્રમ્પથી પણ વધુ જોવા મળી રહી છે. Polymarket પર ટ્રમ્પની જીતની 54 ટકા શક્યતા સામે કમલાની જીતની 45 ટકા શક્યતા છે. કમલા હેરિસ પ્રેસિડેન્ટ જો બાઈડેન તથા ડેમોક્રેટિક ડોનર્સના પૂરા સમર્થન સાથે પ્રમુખપદની રેસમાં ઊતર્યા બાદ ટ્રમ્પની જીતનો માર્ગ ઊબડખાબડ બન્યો છે. નેવાડા, એરિઝોના, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં ટ્રમ્પ જીત માટે ફેવરિટ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ ટ્રમ્પની પડખે, નોકરિયાત વર્ગ હેરિસ સાથે

એક અન્ય અહેવાલ અનુસાર, ટોચની ઇન્વેસ્ટ ફર્મ્સ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં જોવા મળે છે ત્યારે નોકરિયાત વર્ગ કમલા હેરિસની તરફેણમાં છે.

રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં રોકાણ અને સિક્યોરિટીઝ કંપનીઓની પસંદ બન્યા છે. ટ્રમ્પને અત્યાર સુધી અહીંથી 955 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, જ્યારે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને રોકાણ કંપનીઓ પાસેથી માત્ર 163 કરોડ રૂપિયા મળ્યા છે. ટ્રમ્પને આ ક્ષેત્રમાંથી પાંચ ગણું વધુ દાન મળ્યું છે. નિવૃત્ત લોકોએ પણ ડોનેશનના મામલે ટ્રમ્પને પસંદ કર્યા છે. ટ્રમ્પને નિવૃત્ત લોકો પાસેથી 775 કરોડ રૂપિયા મળ્યા જ્યારે કમલાને 183 કરોડ રૂપિયાનું દાન મળ્યું. તેનું મુખ્ય કારણ ટ્રમ્પની જમણેરી રાષ્ટ્રવાદી નીતિઓને નિવૃત્ત લોકોનું સમર્થન છે. તેઓ ટ્રમ્પના નિવૃત્તિ લાભના મોટા સમર્થકો તરીકે ઉભરી આવ્યા છે.
ડેમોક્રેટીક પાર્ટીના કમલા હેરિસને નોકરિયાત લોકો પાસેથી 34 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું જ્યારે ટ્રમ્પને આ શ્રેણીમાંથી 18 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આનું કારણ કમલાનું મધ્યમ વર્ગને ટેક્સ મુક્તિનું વચન છે. કમલાને તેમની ડેમોક્રેટિક પાર્ટી અને લિબરલ જૂથ તરફથી સૌથી વધુ દાન મળ્યું છે. ડેમોક્રેટ્સ અને લિબરલ્સે કમલાને કુલ 4453 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. જ્યારે ટ્રમ્પને તેમની પોતાની રિપબ્લિકન પાર્ટી તરફથી માત્ર 355 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. રસપ્રદ તથ્ય એ છે કે બાઈડેન રેસમાં હતા ત્યાં સુધી ડેમોક્રેટ્સે 2000 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું, 13 દિવસમાં કમલાએ 2400 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. જ્યારે ટ્રમ્પને આ 13 દિવસમાં રિપબ્લિકન પાર્ટી પાસેથી માત્ર 55 કરોડ રૂપિયા જ મળી શક્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter