મુંબઇ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જોન ટ્રમ્પ જુનિયરે ૧૬મી ફેબ્રુઆરીએ મુંબઇમાં ૭૮ માળના અલ્ટ્રા લકઝરી ટ્રમ્પ ટાવરનું ઉદ્ઘાટન તાજેતરમાં કર્યું છે. મુંબઇમાં તે સૌથી ઊંચું ટાવર છે. તેની સાથે સાથે તે પહેલી રહેણાક બહુમાળી ઇમારત છે કે જેમાં પ્રાઇવેટ જેટ સેવા પણ ઉપલબ્ધ કરાવાશે. આ બિલ્ડિંગ ટ્રમ્પની કંપની સાથે સ્થાનિક રિયલ એસ્ટેટ કંપની લોઢા ગ્રૂપ મળીને બનાવી રહી છે. મુંબઇની સૌથી ઊંચી ઇમારત ૮૦૦ ફૂટ ઊંચી છે. ર૦૧૪માં આ ઇમારતના નિર્માણનું કામ શરૂ થઇ ચૂકયું હતું. ર૦૧૯ના મધ્ય સુધીમાં આ બિલ્ડિંગમાં રહેવા માટે ફલેટ તૈયાર થઇ જશે. દક્ષિણ મુંબઇના પોશ વરલીમાં બનેલી ઇમારત પરથી અરબ સાગરનો અદ્ભુત નજારો જોવા મળે છે. ટ્રમ્પ જુનિયરે બિલ્ડિંગની સાથે જ ટાવરમાં બનેલા રહેઠાણનું પણ ઉદ્ઘાટન કર્યું. લોઢા ગ્રૂપના ડિરેકટર અભિષેક લોઢાએ જણાવ્યું કે, મુંબઇ ટ્રમ્પ ટાવર લકઝરી આવાસ માટે એક અદ્ભુત બાબત બની રહેશે. તે આંતરરાષ્ટ્રીય માપદંડોવાળા દુનિયાના કેટલાક પ્રોજેકટમાંથી એક છે.
ગુરુગ્રામ મુલાકાત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જોન ટ્રમ્પ જુનિયરે ભારત પ્રવાસ દરમિયાન ગુરુગ્રામની મુલાકાત પણ લીધી હતી. ત્યાં ઉદ્યોગ વિહાર સ્થિત ઓબેરોય હોટલમાં ટ્રમ્પ ટાવરના રોકાણકારોને તેઓ મળ્યા હતા.