ન્યૂ યોર્કઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બન્યા ત્યારથી તેમનું ટિ્વટર એકાઉન્ટ પણ તેમના જેટલું જ ચર્ચામાં રહ્યું છે. પોતાનો એજન્ડા જણાવવો હોય, સરકારી યોજનાઓ ગણાવવી હોય કે વિરોધીઓની ખુલ્લેઆમ ટીકા કરવી હોય, ટ્રમ્પ આ બધા માટે ટિ્વટરનો ભરપૂર ઉપયોગ કરે છે. ટિ્વટર પર જે તેમની ટીકા કરે તેને તેઓ બ્લોક કરી દે છે, પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ હવે કોઇને બ્લોક નહીં કરી શકે. તાજેતરમાં ન્યૂ યોર્કની એક કોર્ટે આ આદેશ આપતાં કહ્યું કે દેશના રાષ્ટ્રપતિ કોઇને બ્લોક કરે એ તે વ્યક્તિની અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરુદ્ધ છે. સાથે જ રાષ્ટ્રપતિ માટે આ એક પ્રકારનું ગેરબંધારણીય કામ છે.
થોડા દિવસો અગાઉ ટ્રમ્પે તેમના ટિ્વટર એકાઉન્ટ પરથી કોલંબિયા યુનિવર્સિટીની નાઇટ ફર્સ્ટ અમેન્ડમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સહિત કેટલાક ટિ્વટર યુઝર્સને બ્લોક કરી દીધા હતા. તે બધાએ કોર્ટમાં ફરિયાદ કરી દીધી. તે મામલે સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી. મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટનાં જજ નાઓમી રીસ બુચવાલ્ડે આ કેસમાં ચુકાદો આપતાં કહ્યું કે જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટિ્વટર પર કોઇ પણ યુઝરને બ્લોક કરે તો તે નાગરિકોની વાણીસ્વતંત્રતા (ફ્રીડમ ઓફ સ્પીચ)નું ઉલ્લંઘન ગણાય. અમેરિકી બંધારણમાં સુધારો કર્યા પહેલા આવું કામ કરવું સંપૂર્ણપણે ખોટું ગણાશે.