વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ફ રમવા ગયા હતા ત્યારે તેમના પર હુમલો કરવાનો બીજો પ્રયાસ સિક્રેટ સર્વિસના એજન્ટ્સે નિષ્ફળ બનાવ્યો હતો. હુમલાખોર ગોલ્ફ કોર્સની ઝાડીઓમાં બંદૂક સાથે છૂપાયેલો હતો ત્યારે જ તેને સિક્રેટ સર્વિસના એજન્ટ્સ જોઈ જતાં તેના પર ગોળીબાર કરતા તે ભાગી ગયો હતો. આ કિસ્સામાં ટ્રમ્પના ટીકાકાર એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના રવિવારે ફ્લોરિડામાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ ગોલ્ફ ક્લબ ખાતે બની હતી. હુમલાખોર ટ્રમ્પથી માંડ 500 મીટરના અંતરે હતો ત્યારે સિક્રેટ સર્વિસના એજન્ટ્સ તેને જોઈ જતાં તેના પર ખુલ્લો ગોળીબાર કર્યો હતો. તેના લીધે તે એસયુવી કારમાં બેસીને ભાગી ગયો હતો. જોકે બાદમાં તેને હાઇવે પરથી ઝડપી લેવાયો હતો.
આ કેસમાં 58 વર્ષના રયાન વેસ્લી રુથ નામના શંકાસ્પદની ધરપકડ કરાઇ છે. નાની કન્સ્ટ્રકશન કંપનીનો માલિક અને હવાઈનો રહેવાસી રુથ ટ્રમ્પની નીતિઓનો આકરો ટીકાકાર હોવાનું લો એન્ફોર્સમેન્ટ એજન્સીનું કહેવું છે.રુથ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. ટ્રમ્પ પર હુમલાનો છેલ્લા બે મહિનામાં બીજો પ્રયત્ન છે. અગાઉ જુલાઈમાં પેન્સિલ્વેનિયામા થયેલા હુમલામાં તેમનો જીવ માંડ-માંડ બચ્યો હતો.
હુમલાના વધુ એક નિષ્ફળ પ્રયાસ પછી ટ્રમ્પે જણાવ્યું હતું કે તે ક્યારેય શરણાગતિ નહીં સ્વીકારે અને અમેરિકનો વતી લડવાનું ક્યારેય બંધ નહીં કરે. તેણે કહ્યું હતું કે મારું નામ ડોનાલ્ડ જે ટ્રમ્પ છે. ડર મને સ્પર્શતો પણ નથી. આ હુમલો મારા અમેરિકનો વતી લડવાના નિર્ધારમાં કોઈ ફેર નહીં પાડી શકે.