વોશિંગ્ટનઃ અંશદીપ સિંહ ભાટિયાએ તાજેતરમાં ઇતિહાસ રચી દીધો. લુધિયાણાનો આ શીખ સખત તાલીમ બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યુરિટી ટીમનો સભ્ય બન્યો છે. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો વખતે અંશદીપનો પરિવાર કાનપુરથી લુધિયાણા ચાલ્યો ગયો હતો. રમખાણો દરમિયાન કાનપુરમાં અંશદીપના ઘર પર હુમલો થયો હતો, જેમાં તેણે તેના કાકા તથા એક સંબંધીને ગુમાવ્યા હતા. અંશદીપના પિતાને પણ ત્રણ ગોળીઓ વાગી હતી. વર્ષ ૨૦૦૦માં અંશદીપના પિતા લુધિયાણા છોડીને અમેરિકા જતા રહ્યા. ત્યારે અંશદીપ ૧૦ વર્ષનો હતો. અંશદીપનું સપનું હતું કે તે અમેરિકી રાષ્ટ્રપ્રમુખની સિક્યુરિટી ટીમનો સભ્ય બને.
સિક્યુરિટી ટીમમાં સામેલ થવા અંશદીપે કોર્ટના દ્વાર પણ ખટખટાવ્યાં. અધિકારીઓ તેને તેનો લુક બદલવા કહેતા હતા, પણ અંશદીપ તે માટે તૈયાર નહોતો. છેવટે કોર્ટનો ચુકાદો પણ અંશદીપની તરફેણમાં આવ્યો.