ન્યૂ યોર્કઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડ્રીમર પ્રોજેક્ટ બંધ કરવાના નિર્ણયને વોશિંગ્ટન સહિત ૧૫ રાજ્યોએ અદાલતમાં પડકાર્યો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન યુવાન ઇમિગ્રન્ટને સ્વદેશ પરત મોકલી દેવા માગે છે. ન્યૂ યોર્કના એટર્ની જનરલ પણ આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પના નિર્ણયને ન્યૂ યોર્ક, વોશિંગ્ટન, મેસેચ્યુસેટ્સ, કનેક્ટિકટ, ડેલવરે, હવાઇ, ઇલિનોઇ, ઓરેગન, ન્યૂ મેક્સિકો, પેન્સિલવેનિયા, વર્મોન્ટ, વર્જિનિયા અને નોર્થ કેરિલોના જેવા અનેક રાજ્યોએ પડકાર્યો છે. આ રાજ્યોએ બ્રુકલિન ફેડરલ કોર્ટમાં અરજી કરી છે કે, ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ એરાઇવલ્સ પ્રોગ્રામ (ડીએસીએ) બંધ કરવાનો નિર્ણય રદ્ કરવાની માગ કરી છે. એટલું જ નહીં, અનેક રાજ્યોએ ટ્રમ્પનો નિર્ણય મેક્સિકન મૂળના લોકોને સજા કરવા લેવાયો હોય એવો ગણાવ્યો છે.
આ પ્રોગ્રામ હેઠળ આવેલા લોકો ડ્રીમર તરીકે ઓળખાતા હોવાથી ડીએસીએ ડ્રીમર પ્રોજેક્ટ તરીકે પણ ઓળખાય છે. ન્યૂ યોર્કના એટર્ની જનરલ એરિક શેનેડરમેને કહ્યું હતું કે, ટ્રમ્પનો નિર્ણય ક્રૂર, ટૂંકી દૃષ્ટિનો અને અમાનવીય છે. આ નિર્ણય લેટિન અને મેક્સિકન મૂળના લોકોનો વિરોધી છે. ન્યૂ યોર્કમાં ડ્રીમર્સની વસતી ૪૨ હજાર છે. તેઓ અમેરિકા માટે લાભદાયી છે. તેઓ કાયદાનું પાલન કરે છે. ખૂબ જ મહેનત કરે છે. કરવેરા ચૂકવે છે. મોટા ભાગના ડ્રીમર માટે અમેરિકા ઘર છે. એટલે જ તેઓ અહીં રહેવાને લાયક છે. ઓરેગનના એટર્ની જનરલ એલન રોઝનબ્લૂમે પણ ડ્રીમર પ્રોજેક્ટ બંધ કરવાનો નિર્ણય અસભ્ય ગણાવ્યો છે.
બાળક તરીકે ગેરકાયદે લવાયેલા ઇમિગ્રન્ટને રાહત આપતી યોજના નાબૂદ
ટ્રમ્પે પાંચમી સપ્ટેમ્બરે બાળકો તરીકે અમેરિકામાં ગેરકાયદેસર રીતે લવાયેલાં લાખો ઇ-મિગ્રન્ટને દેશનિકાલ સામે રક્ષણ આપતી ડીએસીએ (ડિફર્ડ્ એક્શન ફોર ચિલ્ડ્રન એરાઇવલ) યોજના પણ નાબૂદ કરી નાંખી હતી. ૨૦૧૨માં ઓબામાએ આ યોજનાનો પ્રારંભ કર્યો હતો.
ડીએસીએ અંતર્ગત લેટિન અમેરિકા સહિતના દેશોના આઠ લાખ યુવા ઇ-મિગ્રન્ટને અમેરિકામાં કાયદેસર કામ કરવાનો અધિકાર મળ્યો હતો. આ જાહેરાતને પગલે અમેરિકી સરકાર ડીએસીએ અંતર્ગત નવી અરજીઓનો નિકાલ અટકાવી દેશે. ૫મી માર્ચ ૨૦૧૮ પહેલાં જેમની વર્ક પરમિટ પૂરી થાય છે તેમને પરમિટ રિન્યુ માટે ૬ મહિનાનો સમય અપાશે. તેમણે પાંચમી ઓક્ટોબર પહેલાં અરજી કરવાની રહેશે. જેમની વર્ક પરમિટ એક્સ્પાયર થઇ જશે તેમને અમેરિકામાં ગેરકાયદેસર ગણાશે.