લોસ એન્જેલસઃ એક અમેરિકી કોલેજમાંથી સૌથી નાની વયે સ્નાતક થવા બદલ જેને અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ અભિનંદન આપ્યા હતા એ ૧૨ વર્ષીય ભારતીય અમેરિકન છોકરો તનિષ્ક અબ્રાહમ ૧૮ વર્ષનો થશે ત્યાં સુધીમાં ડોક્ટર બની જવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે. તેની તબીબી શિક્ષણ મેળવવાની અરજી બે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ દ્વારા સ્વીકારી લેવાઈ છે.
કેલિફોર્નિયાના સક્રેન્ન્ટોના વતની એવા તનિષ્ક અબ્રાહમને કેલિફોર્નિયા યુનિવર્સિટી યુસી-ડેવિસે પ્રવેશ આપી દીધો છે અને યુસી સાન્ટા ક્રૂઝે તેને સ્કોલરશિપ આપી છે. પોતે કઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવશે એ તેણે હજી નક્કી કરવાનું છે.
૨૩મીએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં અબ્રાહમે કહ્યું હતું કે, હું મારી તબીબી ડિગ્રી મેળવી લઈશ ત્યારે હું ૧૮ વર્ષનો હોઈશ. તનિષ્કે કહ્યું કેે તેને માત્ર માઈક્રોસ્કોપમાં કામ કરવાનું જ નહીં પરંતુ અલગ અલગ વીડિયો ગેઇમ્સ રમવાનું પણ ખૂબ પસંદ છે.