વોશિંગ્ટન: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળી છે ત્યારથી અમેરિકામાં વસતાં ઈમિગ્રન્ટ્સ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પે સત્તા પર આવતા જ ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી કાઢવાનું સૌથી મોટું અભિયાન ચલાવ્યું હતું. હવે ટ્રમ્પ સરકારે એચ1-બી વિઝા અને ગ્રીનકાર્ડ સહિત કાયદેસર રીતે અમેરિકામાં રહેતા વસાહતીઓને 24 કલાક આઈડી પ્રૂફ સાથે રાખવા ફરમાન કર્યું છે.
આ ઉપરાંત સરકારે 6,000 જીવિત ઈમિગ્રન્ટ્સને મૃત જાહેર કર્યા છે, જેના પગલે તેમના પર સેલ્ફ ડિપોર્ટેશનનું દબાણ વધી ગયું છે. દરમિયાન ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટીના તીવ્ર વિરોધ વચ્ચે ટ્રમ્પ સરકારને ફેડરલ કોર્ટે રાહત આપી છે. ગેરકાયદે રહેતા દરેક વ્યક્તિએ સરકારમાં નોંધણી કરાવવી પડશે અને 24 કલાક દસ્તાવેજો સાથે રાખવા પડશે તેવા ટ્રમ્પ સરકારના નિયમને ફેડરલ કોર્ટે મંજૂરી આપી છે. આમ માત્ર ગેરકાયદે વસાહતીઓ જ નહીં એચ1-બી વિઝા, સ્ટુડન્ટ વિઝા કે ગ્રીન કાર્ડધારકે કાયદાકીય પુરાવો સતત સાથે રાખવો પડશે.