તમારે ભારતીયોએ અહીં ન રહેવું જોઈએઃ યુએસમાં ભારતીયનાં ઘરની બહાર મેસેજ

Thursday 02nd March 2017 06:55 EST
 
 

કોલોરાડોઃ અમેરિકામાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની કેન્સાસમાં હત્યા પછી અમેરિકાનાં અનેક રાજ્યોમાં તેનાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. બીજી તરફ કોલોરાડોમાં એક વધુ ભારતીય સામે હેટ ક્રાઇમનો મામલો સામે આવ્યો છે. આ ભારતીયનાં ઘર પર ઈંડા ફેંકાયા છે અને તેના ઘરની બહાર લખાયું છે કે, ‘તમારે ભારતીયોએ અહીંયા ના રહેવું જોઈએ.’ આ ઉપરાંત ભારતીયનાં ઘરની બહાર પોટ્ટી ચોંટાડવામાં આવી હતી. જોકે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસ દ્વારા શ્રીનિવાસની હત્યાને આઘાતજનક ગણાવીને તેને વખોડવામાં આવી છે. શ્રીનિવાસનાં ૨૮મી ફેબ્રુઆરીએ બપોરે તેના વતન હૈદરાબાદમાં આવેલા જ્યુબિલી હિલ્સ મહાપ્રસ્થાનમ સ્મશાનગૃહમાં અંતમ સંસ્કાર કરાયા હતા.

હેટ ક્રાઈમનો જવાબ આપોઃ હિલેરી ક્રોધે ભરાયા

ટ્રમ્પ સામે પ્રમુખની ચૂંટણી લડનાર ડેમોક્રેટિક હિલેરી ક્લિન્ટન કેન્સાસમાં ભારતીયની હત્યા પછી રીતસર ક્રોધે ભરાયાં હતાં. તેમણે ટ્રમ્પને કહ્યું હતું કે આ હેટ ક્રાઇમનો જવાબ આપો. હિલેરીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, નફરત અને હેટ ક્રાઇમ વધી રહ્યા છે. આપણે આ મુદ્દે કોઈ પગલાં લીધાં નથી. ટ્રમ્પે આ મામલે નિર્ણય લેવો જોઈએ અને જવાબ આપવો જોઈએ.

તેલુગુ સમુદાયને અંગ્રેજીમાં વાતચીત કરવાની સલાહ

કેન્સાસમાં ભારતીય એન્જિનિયરની હત્યા પછી તેલુગુ સમુદાયને અમેરિકામાં જાહેર સ્થળોએ તેલુગુમાં નહીં, પણ અંગ્રેજીમાં વાતચીત કરવાની સલાહ અપાઈ છે. તેલંગણા અમેરિકન તેલુગુ એસોસિએશન દ્વારા આવી શિખામણ અપાઈ છે. સૂમસામ સ્થળે એકલા બહાર નહીં જવા અને કોઈની સાથે વિવાદમાં નહીં ઉતરવા પણ કહેવાયું છે.

નાનો પુત્ર પાછો અમેરિકા નહીં જાયઃ મૃતકની માતા

મૃતક શ્રીનિવાસનાં માતાએ મોટા પુત્ર શ્રીનિવાસને અમેરિકામાં ગુમાવ્યા પછી આઘાતજનક સ્થિતિમાં કહ્યું હતું કે હવે મારા નાના પુત્રને હું અમેરિકા પાછો નહીં જવા દઉં તે પરિવાર સાથે ભારતમાં જ રહે તેવું અમે ઇચ્છીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter