સોલ્ટલેક સિટિઃ લેક પોવેલમાં એક માતા પોતાના બાળક સાથે હાઉસબોટની સવારીની મજા માણી રહી હતી કે અચાનક જ એનો બે વર્ષનો પુત્ર હાઉસબોટમાંથી સરકીને પાણીમાં પડી ગયો. ૩૫ વર્ષની ચેલ્સી રસેલે પુત્રને બચાવવા પાણીમાં ઝંપલાવી દીધું અને પાંચ મિનિટ સુધી એને પાણીના લેવલથી ઉપર માથે બેસાડી રાખ્યો, પરંતુ એ દરમિયાન એ બેભાન બની ગઇ હતી. એક સબંધીએ બાળકને પાણીમાંથી બહાર ખેંચી લીધું હતું.
રસેલને પાણીમાંથી બહાર કાઢી પાસેના દવાખાને લઇ જવામાં આવી હતી. ત્યાં સ્ટાફ અને અન્યો એ તેમની પર સીપીઆર કર્યું હતું, ૩૦ મિનિટ પછી તેમણે કહ્યું કે પુત્રને બચાવનારી માતા રસેલને અમે બચાવી શક્યા નહીં. ઉટાહ-એરઝોનાની સરહદે આવેલા ૧૮૬ માઇલ લાંબા તળાવના અધિકારીઓએ કહ્યું હતું કે, બાળકની હાલત સ્થિર હતી અને સાવચેતીના પગલાં ખાતર એને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.