લંડનઃ યુનાઈટેડ સ્ટેટ્સના ૪૫મા પ્રમુખપદે બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી પછી બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે સાથે તેમની મંત્રણા મુલાકાતની ઘડીઓ ગણાઈ રહી છે. નવા યુએસ પ્રમુખને મળનારા વિદેશી નેતાઓના કાફલામાં થેરેસા અગ્રક્રમે છે. તેઓ ગુરુવાર, ૨૬ જાન્યુઆરીએ જ વોશિંગ્ટન જાય અને શુક્રવારે મંત્રણા યોજાય તેવી શક્યતા વચ્ચે ડાઉનિંગ સ્ટ્રીટ એલર્ટની સ્થિતિમાં છે. જોકે, આ તારીખને હજુ સમર્થન અપાયું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ધ ટાઈમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમની શપથવિધિ થયા પછી તુરત જ મિસિસ મેને મળશે. તેમની મુલાકાત ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં યોજાય તેમ મનાતું હતું.
યુએસ-યુકે વચ્ચે વેપાર સમજૂતી થવાની શક્યતા મધ્યે ટ્રમ્પ-થેરેસાની મુલાકાત આગળ લવાઈ છે. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું છે કે વડા પ્રધાનની યુએસ મુલાકાતની તારીખ નિશ્ચિત થઈ નથી. યુએસ પ્રમુખને મળવામાં થેરેસા મે પ્રથમ યુરોપીય નેતા હશે. માર્ગારેટ થેચરે પણ નવેમ્બર ૧૯૮૯માં જ્યોર્જ બુશને મળવા એક વર્ષ રાહ જોવી પડી હતી. ટ્રમ્પને મળનારા વિદેશી નેતાઓની યાદીમાં ઈઝરાયેલના નેતા બેન્જામિન નેતાન્યાહુ મોખરે છે.
મંત્રણામાં મુક્ત વ્યાપારનો મુદ્દો મોખરે રહેશે. વડા પ્રધાન થેરેસા મેએ ભારપૂર્વક કહ્યું છે કે ટ્રમ્પનો સામનો કરવામાં તેઓ જરા પણ ખચકાટ અનુભવતાં નથી. પ્રમુખ મે સાથે મુલાકાત અગાઉ થેરેસા ફીલાડેલ્ફીઆમાં રિપબ્લિકન કોંગ્રેસમેનોને સંબોધન કરશે, જેઓ ફ્રી ટ્રેડ, ટેક્સ અને હેલ્થકેર મુદ્દાઓ પર ટ્રમ્પથી અલગ વલણ ધરાવે છે.
બ્રિટન માટે ટ્રમ્પનું નવું ડીલ
ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટન માટે નવા ડીલની તૈયારી કરી રહ્યા છે. આ સમજૂતીમાં નવી પાસપોર્ટિંગ સિસ્ટમ મારફત અમેરિકન અને બ્રિટિશ બેન્કો વચ્ચે અવરોધો ઘટાડવા ટ્રમ્પ ટીમ વિચારી રહી છે. બ્રેક્ઝિટના ૯૦ દિવસ પછી વેપાર સમજૂતી અમલી થઈ શકે છે. • વેપાર સામેના અવરોધો ઓળખવા તેમજ ભાવિ સમજૂતીની શક્યતા તપાસવા યુએસ-યુકે વર્કિંગ ગ્રૂપની તૈયારી પણ કરાઈ રહી છે. • સંયુક્ત નિવેદનમાં ઈયુ દેશો તેમના જીડીપીના બે ટકા ખર્ચ સંરક્ષણ પાછળ કરે તેમજ ISILનો સામનો કરવાનું વચન આપે તેવી માગણી કરવામાં આવશે. • અમેરિકા અને યુકે એકબીજાને જે ચીજવસ્તુની નિકાસ કરે છે તે આઈટમો પરની ટેરિફ્સમાં કાપ મૂકાય અથવા ટેરિફ પડતી મૂકાય તેવો વિકલ્પ પણ વિચારાઈ રહ્યો છે. આના પરિણામે, ઈયુ નેતાઓ સાથેની મંત્રણામાં થેરેસા મેનો હાથ ઉપર રહે તેવી ગણતરી પણ છે.
ટ્રેડ ડીલથી અમેરિકી નોકરીઓનું દ્વાર ખુલશે
યુએસ-યુકે વેપાર સમજૂતીમાં વિવિધ ટેરિફમાં કાપ મૂકાશે અને બે દેશો વચ્ચે બજારો વર્કર્સની હેરફેર સરળ બની જશે. હાલ ૧૦ લાખ જેટલા અમેરિકનો બ્રિટનમાં કામ કરે છે અને લગભગ આટલી જ સંખ્યામાં યુકેના નાગરિકો યુનાઈટેડ સ્ટેટ્સમાં છે. બન્ને દેશો જોબ ક્રીએશન્સની યોજના ધરાવે છે. યુએસ અને યુકે, બન્નેને લાભદાયી નીવડે તેવી સમજૂતી કરવા સાથે જ ટ્રમ્પ પોતાની ‘અમેરિકા ફર્સ્ટ’ બાહેંધરીનું પાલન કરી શકશે.