વોશિંગ્ટનઃ ૯૨ વર્ષની અસ્થિર મગજની મહિલા પર અત્યાચાર ગુજારવા બદલ ભારતવંશી અમેરિકન નર્સની ધરપકડ થઇ છે. ઇલિનોઇમાં કલેરમોન્ટ હેલ્થ એન્ડ રિહેબ સેન્ટરમાં નર્સ તરીકે કાર્યરત ૪૭ વર્ષીય હંસમતિ સિંહે અસ્થિર મગજની મહિલા દર્દીને તમાચો મારતા તેમના નાકમાંથી લોહી નીકળ્યું હતું. ત્યારબાદ આ અંગે પોલીસ ફરિયાદ થઇ હતી.
જ્યારે પોલીસે નર્સની પૂછપરછ કરી તો તેણે મહિલા દર્દીને તમાચો માર્યો હોવાનો ઇનકાર કર્યો હતો. નર્સે જણાવ્યું હતું કે મહિલાનું બ્લડ પ્રેશર નીચું ઓછું હોવાથી તેમને બળજબરીપૂર્વક ખવડાવવાની ફરજ પડી હતી. પોલીસે તપાસ પછી જણાવ્યું હતું કે મહિલા દર્દીને ખવડાવતી વખતે નર્સે એટલા જોરથી તેમના ગાલ પક્ડયા હતા કે હાથના નિશાન મોં પર જોવા મળતા હતાં. પોલીસના આ તારણ પછી સોમવારે નર્સની ધરપકડ થઇ હતી. જો કે, ૨૦૦૦ અમેરિકન ડોલરના બોન્ડ જમા કરાવ્યા પછી નર્સની મુક્તી થઇ હતી.
સોનિયા ગાંધી સામેનો ચુકાદો અનામતઃ અમેરિકાની ફેડરલ અપીલ કોર્ટે ૧૯૮૪ના શીખ વિરોધી તોફાનોના સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વિરુદ્ધ ચુકાદો અનામત રાખ્યો છે. ત્રણ જજોની બેન્ચે મૌખિક દલીલો સાંભળી હતી. દલીલમાં એવું જણાવાયું હતું કે, શું સોનિયા સામે આગળ કેસ ચલાવવાની મંજૂરી અપાય કે પછી કેસ ફગાવી દેવાના અમેરિકન કોર્ટના આદેશ પર મંજૂરી આપવામાં આવે.