ન્યૂ યોર્કઃ અમેરિકન ટપાલ વિભાગે ત્યાં રહેતા ભારતીયને ખુશ કરતા આગામી દિવાળીને ધ્યાનમાં રાખી તહેવાર માટે ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવાની જાહેરાત કરી છે. દિવાળીની ભેટ તરીકે સ્ટેમ્પમાં પરંપરાગત દીપનો ફોટો રાખવામાં આવશે જેમાં ભારતીયો આ તહેવાર ઊજવી શકશે. અમેરિકામાં ભારતના મહાવાણિજ્ય દૂતની હાજરીમાં એક કાર્યક્રમ દ્વારા આ ટપાલ ટિકિટને સત્તાવાર રીતે પાંચમી ઓક્ટોબરના રોજ બહાર પડાશે. એટલું જ નહીં પરંતુ ટિકિટ અહીંથી કાયમ માટે લાગુ થઈ જશે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, હંમેશ માટે ચાલુ રાખવામાં આવનારી આ ટિકિટની કિંમત અમેરિકાના એક આઉન્સ એટલે કે, એક રૂપિયાની હશે.
ભારતીય સમુદાયનો મત લઈ ટિકિટની પસંદગી
અમેરિકાની પોસ્ટલ સેવાએ દિવાળી માટે ખાસ ટિકિટ બનાવવા માટે અહીં રહેતા ભારતીય સમુદાયનો મત લીધો હતો. પોસ્ટમાસ્તર જનરલની મંજૂરી માટે પણ ૨૫ વિષયો મોકલાયા હતા જેમાં દિવાળીને પસંદગી અપાઈ હતી.
વ્હાઇટ હાઉસમાં દિવાળી
દિવાળીનો તહેવાર વિશ્વના દરેક દેશમાં ધામધૂમથી ઊજવાય છે અને અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો રહેતા હોવાથી તેનું મહત્ત્વ અહીં વધી જાય છે. વ્હાઇટ હાઉસમાં આ તહેવારની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે.