ડોરોથી સ્મિથે યુવાનીમાં દુનિયાના દરેક ખંડનો પ્રવાસ કરવાનું સપનું જોયું હતું પણ ઉંમર વધતી ગઈ તેમ તેમ આ સપનું ભૂલાતું ગયું. રોજિંદી જિંદગીની ઘટમાળમાં ડોરોથી એવાં અટવાઈ ગયાં કે આ સપનું સપનું જ રહી ગયું. ડોરોથી જિંદગીનાં છેલ્લાં વરસો કેલિફોર્નિયામાં મિસ વેલીમાં આવેલા રેડવુડ્સ રિટાયરમેન્ટ વિલેજમાં ગાળી રહ્યાં હતાં. ત્યાં તેમની મુલાકાત અમ્માર કંદીલ અને સ્ટાફન ટેલર સાથે થઈ. બન્ને 93 લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી યુટ્યુબ ચેનલ યસ થિયરીના માલિક છે. બન્ને ડોરોથી સ્મિથને ઓક્ટોબરની શરૂઆતમાં એક સ્ટોરી માટે મળ્યા હતા. આ બન્નેએ કેટલાક સવાલ-જવાબ દરમિયાન ડોરોથીને તેની ઈચ્છા પૂછી લીધી. ડોરોથીએ પણ સંકોચ રાખ્યા વિના દુનિયાના દરેક ખંડમાં જવાની પોતાની અધૂરી ઈચ્છા જણાવી દીધી. ડોરોથીએ એમ પણ કહ્યું કે પોતે એશિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા અને યુરોપ ગઈ છે પણ ક્યારેય ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો નથી. જોકે આ બધી વાતો કરતી વખતે ડોરોથીને ખબર નહોતી કે, આ બન્ને તેની ઈચ્છા પૂરી કરશે. થોડા દિવસ પહેલાં બન્ને ડોરોથીને પોતાના ખર્ચે ઓસ્ટ્રેલિયા લઈ ગયા અને આ સાથે ડોરોથી સ્મિથ હવે તમામ સાત ખંડોની મુસાફરી કરનાર વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગયાં છે.