ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં રહેતા કપલને દુનિયાના સૌથી ઉંમરલાયક વિવાહિત કપલનું સન્માન મળ્યું છે. આ દંપતીની સહિયારી ઉંમર ૨૧૧ વર્ષ છે. તેમણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જ્હોન ૧૦૬ વર્ષના છે, જ્યારે શેરલેટની ઉંમર ૧૦૫ વર્ષની છે. આ કપલ ૧૫ ડિસેમ્બર ૧૯૩૯ના રોજ લગ્નને તાંતણે બંધાયું હતું. આ દંપતી આવતા મહિને તેમની ૮૦મી મેરેજ એનિવર્સરી ઉજવશે.
કોલેજમાં પ્રેમ પાંગર્યો
વર્ષ ૧૯૩૪માં બંને યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં મળ્યાં હતાં. બંનેને કોલેજમાં અભ્યાસ દરમિયાન જ પ્રેમ થઇ જતાં ભણવાનું પૂરું કર્યા પછી મેરેજ કરી લીધાં હતાં. હાલ તેઓ લોંગહોર્ન વિલેજમાં શાંતિથી બાકીની જિંદગી પસાર કરી રહ્યા છે. આ કપલ શારીરિક રીતે પણ એકદમ સ્વસ્થ છે. લગ્નને ૮૦ વર્ષ પૂરા થવા આવશે તેમ છતાં તેમનો પ્રેમ આજે પણ ઓછો થયો નથી.