લંડનઃ દુનિયાનો સૌથી કિંમતી સિક્કો પહેલી વખત તેનો દેશ છોડ્યા બાદ બ્રિટનમાં નિહાળી શકાશે. આ સિક્કો અમેરિકાનો પહેલો યુએસ ડોલર હોવાનું મનાય છે. તે ૧૮મી માર્ચથી સેન્ટ્રલ લંડનમાં લા ગેલેરિયા ખાતે લંડન મિન્ટ ઓફિસ દ્વારા યોજાનારા પ્રદર્શનમાં નિહાળી શકાશે. -ફલોઈંગ હેર- ચાંદીનો આ ડોલરનો સિક્કો ૨૦૧૩માં એક ઓક્શનમાં ન્યુક્લિયર એન્જિનિયરમાંથી બિઝનેસમેન બનેલા બ્રુસ મોરેલને ૧૦ મિલિયન ડોલર (૭ મિલિયન પાઉન્ડ)માં ખરીદ્યો હતો. અમેરિકાની આઝાદીના ડેકલેરેશનની ઓરિજિનલ કોપીની સાથે આ સિક્કાને મૂકવામાં આવશે.
આ સિક્કો ૧૫ ઓક્ટોબર ૧૭૯૪ના રોજ હેન્ડ-ટર્ન્ડ સ્ક્રૂ પ્રેસ દ્વારા ફિલાડેલ્ફીયા ટંકશાળ ખાતે બનાવાયેલા ૧,૭૫૮ ચાંદીના ડોલર પૈકીનો એક છે. સિક્કામાં ચહેરાને નિખાર આપતા ફરફરતા વાળ સાથેના સ્વાતંત્ર્ય દેવીના ચહેરાને લીધે તેનું આ નામ પડ્યું છે. તેની ફરતે ૧૫ તારા છે જે નવા દેશના ૧૫ સભ્ય રાજ્યોને દર્શાવે છે. તેની અસાધારણ ક્વોલિટીને લીધે ઘણાં નિષ્ણાતો તેને અમેરિકાનો પ્રથમ સિક્કો માને છે.
સિક્કાની બીજી બાજુએ ખૂલ્લી પાંખો સાથેનું ગરુડ પક્ષી અંકિત કરેલું છે. લંડન મિન્ટ ઓફિસના મેનેજિંગ ડિરેક્ટર જેમ્સ ડીનીએ જણાવ્યું કે આ ડોલર અમેરિકાના આઝાદી વિશેનો સ્પષ્ટ સંદેશ આપે છે. યુએસ સ્વતંત્ર થયું ત્યારે તેનું કોઈ ચલણી નાણું નહોતું. તેઓ સ્પેનિશ રિયલ્સનો ઉપયોગ કરતાં હતા. આ ડોલર બજારમાં ક્યારેય ચલણમાં ફરતો થયો નહોતો.