વોશિંગ્ટનઃ તમે ક્યારેય એવી કોઈ કારની કલ્પના કરી છે અથવા તો જોઈ છે જેમાં સ્વિમિંગ પુલ હોય, હેલિપેડ પણ હોય અને મિની ગોલ્ફ કોર્સ પણ હોય?! આ સાંભળીને જ કોઇ પણ વ્યક્તિ બોલી ઉઠશે કે ભલા માણસ, આવી તે કંઈ કાર હોતી હશે?! પણ આ દુનિયામાં ભેજાબાજોની સંખ્યા કંઇ ઓછી નથી. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝે જાહેરાત કરી છે કે વિશ્વની આ સૌથી લાંબી કાર પ્રવાસ માટે તૈયાર છે. 30.54 મીટર (100 ફૂટ અને 1.5 ઈંચ) લાંબી આ કારનું નામ છેઃ ધ અમેરિકન ડ્રીમ. આ કારે પોતાનો જ 1986નો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ કારને સૌ પહેલાં તો 1986માં બનાવવામાં આવી હતી. તે સમયે તેની લંબાઈ 60 ફૂટની હતી.
તેમાં 26 પૈડાં અને આગળ-પાછળ V-8 એન્જિન હતું. આમ પહેલાંથી થોડી લાંબી આ કારને મોડિફાઇ કરાતાં તે હવે 30.5 મીટરની કાર બની ગઈ છે. ગિનેસ બુકે પોતાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ લેટેસ્ટ કારનો ફોટો પોસ્ટ કર્યા છે. એક કાર સામાન્ય રીતે 12થી 16 ફૂટ લાંબી હોય છે, તેના આધારે તમે આ કારની લંબાઇની કલ્પના કરી શકો છે. વિશ્વની આ સૌથી લાંબી કાર 1976ની લિમોઝિન આધારિત છે. તેને પણ બંને તરફથી ચલાવી શકાતી હતી. કારમાં તમને ડાઈવિંગ બોર્ડની સાથે સ્વિમિંગ પુલ, જાકુઝી, બાથ ટબ, મિની ગોલ્ફ કોર્સ અને એક હેલિપેડની સગવડ મળે છે. હેલિપેડની ક્ષમતા પાંચ હજાર પાઉન્ડનું વજન સહન કરવાની છે. કારમાં રેફ્રિજરેટર, ટેલિફોન અને ટીવી સેટ પણ છે. આ સિવાય રોલિંગ નાઈટક્લબ પણ છે. ગિનેસ બુકના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ તેમાં એક સાથે 75 લોકો પ્રવાસ કરી શકે છે. આ કારનો ઉપયોગ અનેક ફિલ્મોમાં કે ભાડાંના વાહન તરીકે કરાયો છે પણ મોંઘો જાળવણી ખર્ચ અને પાર્કિંગની મુશ્કેલીના લીધે લોકોમાં તેની લોકપ્રિયતા ધીમે ધીમે ખતમ થઈ ગઈ. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના જણાવ્યા મુજબ આ કારને મોડિફઇ કરવામાં આશરે 2.5 લાખ ડોલરનો ખર્ચ આવ્યો છે અને નવા રંગરૂપ આપવામાં પૂરાં ત્રણ વર્ષ લાગ્યાં છે.