વોશિંગ્ટનઃ વોશિંગ્ટન એડવેન્ટિસ્ટ યુનિવર્સિટી તથા અમેરિકા ઈન્ડિયા માઈનોરિટી એસોસિએશન (AIAM)એ દ્વારા સંયુક્તપણે અપાતા ‘ડો. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર વર્લ્ડ પીસ’ એવોર્ડ માટે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી કરાઇ છે. સમાજમાં શાંતિના પ્રચાર-પ્રસાર અને લઘુમતીઓના હિતોની રક્ષા માટેના પ્રયાસો બદલ મોદીની આ આ વિશ્વ શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરાઇ છે. AIAM એ એક સ્વૈચ્છિક સંસ્થા છે જેનો ઉદ્દેશ્ય અમેરિકામાં વસતાં ભારતીય અમેરિકન ડાયસ્પોરામાં એકતા કાયમ કરવાનો છે. સંસ્થાના પ્રમુખ જસદીપ સિંહે કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે એક સર્વસમાવેશક અભિગમ અપનાવ્યો છે, જેમાં તમામ નાગરિકો માટે સમાન તકો છે. જસદીપ સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સર્વસમાવેશક વિકાસ હાંસલ કરી રહ્યું છે. જેમાં તમામ ધર્મના લોકોને સમાન તક મળી રહી છે. ભારતીય લઘુમતી મહાસંઘના કન્વીનર અને સંસદ સભ્ય સતનામ સિંહ સંધુએ જણાવ્યું હતું કે ‘સબકા સાથ, સબકા વિકાસ’એ સમાજમાં એકતા વધારવાનું કામ કર્યું છે અને દરેકને સમાન તકો આપી છે. ભારતીય-અમેરિકન યહૂદી નિસ્સિમ રિબેને ભારતના યહૂદી સમુદાય સાથે ઐતિહાસિક સંબંધોને મજબૂત કરવા માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. રિબેને કહ્યું હતું કે બહુ ઓછા લોકો જાણે છે કે કલકત્તાની અમારી 120 વર્ષ જૂની યહૂદી કન્યા શાળા અને મુંબઈની બે સસૂન શાળાઓમાં મોટાભાગની વિદ્યાર્થીનીઓ મુસ્લિમ છે. મધ્ય પૂર્વમાં ભયાનક હિંસાના સમયગાળા દરમિયાન પણ કોઈએ આ શાળાઓ પર એક પણ પથ્થર ફેંક્યો ન હતો.