ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં અમેરિકાનો પ્રવાસ ખેડશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મોદીને સત્કારવા આતુર છે તો બીજી તરફ વડા પ્રધાન તરીકે પ્રથમ વાર ન્યૂ યોર્ક આવી રહેલા નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ભારતીયો તડામાર તૈયારી કરી રહ્યા છે. ન્યૂ યોર્કના પ્રસિદ્ધ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ૨૮ સપ્ટેમ્બરે વડા પ્રધાનના સ્વાગત સમારંભને ભવ્ય અને યાદગાર બનાવવા ગુજરાતી સમાજના અગ્રણી ડો. ભરત બારાઈએ એડીચોટીનું જોર લગાવ્યું છે. મોદીનાં આગમનને પગલે ન્યૂ યોર્કમાં ઉત્સાહનો માહોલ છે. ન્યૂ યોર્કની કેટલીક હોટેલ્સ અને રેસ્ટોરન્ટ દ્વારા વિશેષ ડિસ્કાઉન્ડની પણ જાહેરાતો થઇ છે. આ ગાર્ડનમાં ૨૦ હજાર લોકોને બેસવાની ક્ષમતા છે અને કાર્યક્રમની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. જોકે, ટિકિટથી વંચિત રહી ગયેલા લોકો મોદીનો કાર્યક્રમ ઓનલાઇન જોઈ શકશે. આ સિવાય કાર્યક્રમના સ્થળની ચોતરફ વિશાળ સ્ક્રીન પણ લગાવાશે. ૨૦ હજાર લોકો બેસી શકે તેવા આ હોલમાં રોક સ્ટાર, રાજકીય નેતાઓ અને એક પોપના કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. આ કાર્યક્રમ માટે તથા અતિથિઓ માટે દાન કરનારા લોકોની પણ પસંદગી થઇ છે. સમગ્ર અમેરિકાના ૩૦ હજારથી વધુ લોકોએ આ કાર્યક્રમમાં આવવા ટિકિટની માગણી કરી હતી. ન્યૂ યોર્કમાં રહેતાં ૩૦૦ જેટલાં ભારતીયોએ મોદી સાથે ડિનર લેવા માટે ઉત્સાહ દાખવ્યો છે, જોકે ડિનરમાં વોશિંગ્ટનના નેતાઓ, યુનાઇટેડ નેશન્સના ભારતના પ્રતિનિધિઓ, વિવિધ કોન્સ્યુલેટ્સ સહિતના ૧૫૦ આમંત્રિત મહેમાનો હશે. ન્યૂ યોર્કસ્થિત ભારતીય બિઝનેસમેનોએ સમારોહને ભવ્ય બનાવવા માટે રૂ. ૪૨.૬૪ લાખનું દાન કર્યું છે.
આયોજકોના પ્રવક્તા આનંદ શાહે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં યુએસ સેનેટના અનેક સભ્યો પણ હાજર રહેશે. મોદીને સાંભળવા અનેક લોકો દૂર દૂરથી આવશે તેથી ન્યૂ યોર્કની હોટેલ્સ પણ હાઉસફુલ થશે. મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વર્ષ ૨૦૦૨નાં કોમી રમખાણોને પગલે અમેરિકાએ વર્ષ ૨૦૦૫માં તેમને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. મોદી વડા પ્રધાન બન્યા ત્યાં સુધી અમેરિકાએ વિઝા ન આપવાનું વલણ જાળવી રાખ્યું હતું, જોકે હવે સ્થિતિ બદલાઇ છે. કાર્યક્રમના આયોજક ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ફાઉન્ડેશન (આઇએસીએફ)ના જણાવ્યા મુજબ મોદીના ભાષણનું મોટા પડદા પર સીધું પ્રસારણ થશે અને અંગ્રેજીમાં સબ ટાઇટલ હશે. લોકો ટોલ ફ્રી નંબર ડાયલ કરીને અથવા પોતાના ફોન પર એક એપના ઉપયોગથી મોદીનું સીધું ભાષણ સાંભળી શકશે. આઇએસીએફએ આ આયોજન માટે આશરે ૧૫ લાખ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે.
મોદીનો અમેરિકામાં કાર્યક્રમ
૨૬ સપ્ટેમ્બરે ન્યૂ યોર્ક પહોંચશે. મેનહટનની ન્યૂ યોર્ક પેલેસ હોટલ ખાતે રોકાશે. ૨૭મીએ તેઓ ૯/૧૧ના હુમલામાં ધ્વસ્ત થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સના સ્થળ ગ્રાઉન્ડ ઝીરોની અને ત્યાર પછી ૯/૧૧ મેમોરિયલ મ્યુઝીયમની મુલાકાત લેશે. ત્યાંથી તેઓ યુએનની મહાસભામાં જશે અને વિવિધ દેશોનાં વડાઓ સાથે બેઠકો પણ કરશે. સાંજે તેઓ સેન્ટ્રલ પાર્કમાં ગ્લોબલ સિટિઝન ફેસ્ટિવલમાં હાજરી આપશે. ૨૮મીએ ન્યૂ યોર્કના મેડિસન સ્કવેર ગાર્ડન ખાતે હજારો અમેરિકી ભારતીયોને સંબોધશે. ૨૯મીએ ન્યૂ યોર્કથી વોશિંગ્ટન પહોંચીને ઓબામાને મળશે. ૩૦મીએ વોશિંગ્ટનમાં મોદી યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા આયોજિત એક બેઠકમાં ઉદ્યોગપતિઓને પણ મળશે. ત્યારબાદ વિશેષ વિમાનમાં ભારત આવવા રવાના થશે.
માત્ર લીંબુ પાણી જ લેશે
અમેરિકાની યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી અમેરિકામાં આયોજિત વિવિધ ભોજન સમારંભમાં માત્ર લીંબુ-પાણી જ લેશે, કારણકે આ દિવસો દરમિયાન તેમના નવરાત્રિના ઉપવાસ ચાલુ હશે. ૬૪ વર્ષીય મોદી છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે. વડા પ્રધાનને અમેરિકા જવાનુ હોવા છતાં તેમણે આ વર્ષે પણ નવરાત્રિના ઉપવાસ કરવાનો નિર્ણય લીધો છે. જો કે વડા પ્રધાન કાર્યાલયના સૂત્રોના જણાવ્યા મુજબ તેમના ઉપવાસને કારણે તેમની અમેરિકાની સત્તાવાર મુલાકાત દરમિયાન થનારા કાર્યક્રમો પર કોઇ અસર પડશે નહીં.
ક્યાં રોકાણ કરશે?
નરેન્દ્ર મોદી વોશિંગ્ટનમાં બરાક ઓબામાના સત્તાવાર અતિથિગૃહ એવા ૧૯૦ વર્ષ જૂના બ્લેર હાઉસ ખાતે રોકાશે. ૧૦ વર્ષમાં પ્રથમવાર કોઈ ભારતીય વડા પ્રધાન આ અતિથિગૃહમાં રોકાશે. છેલ્લે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અહીં રોકાયા હતા. પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંહ અમેરિકાના પ્રવાસો દરમિયાન હોટેલમાં રોકાવાનું પસંદ કરતા હતા. ૧૮૨૪માં પ્રાઈવેટ હોમ તરીકે બંધાયેલા બ્લેર હાઉસને અમેરિકી સરકારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખરીદ્યું હતું.
૧૫૦૦ વર્ષનો ઇતિહાસ રજૂ થશે
૨૮ સપ્ટેમ્બરે ન્યૂ યોર્કના મેડિસન સ્કવેર ગાર્ડનમાં નરેન્દ્ર મોદીનું ભાષણ થશે. એ પહેલાં ભારતનો ૧૫૦૦ વર્ષનો ઇતિહાસ રજૂ થશે. તેમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક શિકાગો ભાષણથી લઇને મોદીના નેતૃત્વ સુધીની વાર્તા પણ દર્શાવાશે. એક કેન્દ્રીય પ્રધાને આ અંગે જણાવ્યું છે કે ૧૫૦૦ વર્ષનો ઇતિહાસ દેખાડવા માટે વડા પ્રધાન કાર્યાલયની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.
પ્રવાસનો એજન્ડા શું છે?
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે વડા પ્રધાનની યાત્રાનો એજન્ડા બિઝનેસ છે. બિઝનેસમેન સાથે મુલાકાત, દ્વીપક્ષીય વેપારને પ્રોત્સાહન પ્રાથમિકતા છે. સંરક્ષણ, સાઇબર સુરક્ષા, આંતરિક સુરક્ષા, શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ અને સ્માર્ટ સિટી અંગે પણ મંત્રણા થશે. વડા પ્રધાન ૨૭ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર સભામાં ભાગ લેશે. ૨૯ સપ્ટેમ્બરે તથા ઘણા અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મળશે. ૨૯-૩૦ સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં રહેશે.
ઓબામા પણ આવકારવા આતુર
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા વ્હાઇટ હાઉસમાં મોદીને આવકારવા માટે આતુર છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જોશ અર્નેટે જણાવ્યા મુજબ ભારત-અમેરિકા સહિત વિશ્વના હિત માટે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત બનાવવા અમેરિકા પોતાનું વચન પાળવા તૈયાર છે અને આ કારણે જ ઓબામા મોદી સાથે કામ કરવા તત્પરતા દાખવી રહ્યા છે. બંને મહાનુભાવો વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થશે જેમાં વ્યાપાર અને વ્યૂહાત્મક ભાગીદારી, આતંકવાદ, પારસ્પરિક હિતો, આર્થિક વૃદ્ધિ સહિતના વિષયો આવરી લેવાશે.
હિન્દીમાં પ્રવચન આપશે
૨૭ સપ્ટેમ્બરે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની સામે ‘અમેરિકા વેલકમ્સ મોદી’ નામથી રેલીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ દિવસે મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પ્રથમ વખત સંબોધન કરશે. મોદી મહાસભાને હિન્દી ભાષામાં સંબોધન કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં પ્રવચન આપનારા અટલ બિહારી વાજપેયી દેશના પ્રથમ વડા પ્રધાન હતા.
યુએસ-ઇન્ડિયા પાર્ટનરશિપ ડે
અમેરિકી સેનેટે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ને યુએસ-ઇન્ડિયા પાર્ટનરશિપ ડે (અમેરિકા-ભારત ભાગીદારી દિવસ) તરીકે ઊજવવાના દ્વિપક્ષીય ઠરાવને સર્વસંમતિથી પસાર કર્યો છે. આ ઠરાવ દ્વારા સેનેટે બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો અને ૨૧મી સદીમાં બંને દેશો વચ્ચેની ભાગીદારીને માન્યતા આપી છે. મોદી અમેરિકા પહોંચે તે પહેલાં સેનેટે ભારત સાથેના સંબંધો મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. ડેમોક્રેટ સેનેટર માર્ક વોર્નર અને રિપબ્લિકન સેનેટર જ્હોન કોર્નીએ રજૂ કરેલા ઠરાવને સર્વસંમતિથી પસાર કરાયો હતો. ઠરાવમાં જણાવાયું છે કે સેનેટ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪ને યુએસ-ઇન્ડિયા પાર્ટનરશિપ ડે તરીકે ઉજવવા મંજૂરી આપે છે. ઠરાવ કહે છે કે ભારતના ઇતિહાસમાં ૨૦૧૪ની ભારતીય સંસદની ચૂંટણી પુરવાર કરે છે કે ભારતમાં લોકશાહી અત્યંત મજબૂત છે અને ભારતમાં વિવિધ ધર્મો, જાતિ, વંશ, આર્થિક-સામાજિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય અસ્તિત્વ ધરાવે છે.
ક્લિન્ટન દંપતીને પણ મળશે
મોદી ન્યૂ યોર્કમાં મહત્ત્વના લોકોને પણ મળશે, જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને વિદેશ પ્રધાન રહી ચૂકેલા તેમનાં પત્ની હિલેરીનો સમાવેશ થાય છે. મોદીની તેમની સાથેની મુલાકાત ભારતની વિદેશ નીતિ માટે ઘણી મહત્ત્વની સાબિત થઈ શકે છે. કારણ કે, ૨૦૧૭માં રાષ્ટ્રપતિપદ માટે યોજાનારી ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન એક મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ક્લિન્ટન દંપતી મોદીથી ખૂબ જ પ્રભાવિત છે. બિલ ક્લિન્ટન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિના પ્રશંસક છે. બિલ ક્લિન્ટન જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે ભારત સાથે એક નવા સંબંધનો પાયો નાંખ્યો હતો. કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેમણે હસ્તક્ષેપ કરીને પાકિસ્તાનને પાછું જવા દબાણ કર્યું હતું.
મોદી અમેરિકાને શું આપશે?
વડા પ્રધાનની આ યાત્રા દરમિયાન અમેરિકન પ્રવાસીઓને ભારતમાં વિઝા ઓન એરાઇવલની સુવિધાની જાહેરાત થાય તેવી સંભાવના છે. સૂત્રો કહે છે કે, ગૃહ મંત્રાલય આ પ્રસ્તાવ પરનું કામ પૂરું કવાયત કરી રહ્યું છે. પર્યટન મંત્રાલય સાથેના સંકલનમાં ગૃહ મંત્રાલય ભારતમાં ઘર કે સંપત્તિ ન ધરાવતા અમેરિકી નાગરિકોને પ્રવાસ, સાઇટ સિઇંગ અને સામાન્ય મુલાકાત માટે ટૂરિસ્ટ વિઝા ઓન એરાઇવલ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ વિઝા ચોક્કસ નિયમો મુજબ અમેરિકન નાગરિકોને પર્યટનના હેતુસર ૩૦ દિવસનો વિઝા મળશે. અત્યારે ભારત ૧૧ દેશોના નાગરિકોને વિઝા ઓન એરાઇવલની સુવિધા આપે છે. ભારત-અમેરિકા લાંબા સમયથી વ્યૂહાત્મક ભાગીદારી ધરાવતા દેશો હોવા છતાં એકબીજાના નાગરિકો માટે વિઝા ઓન એરાઇવલની સુવિધા સ્થાપિત કરી શક્યા નથી.
મોદી માટે ભાષણ મહત્ત્વનું કેમ?
• વિદેશવાસી ભારતીયો મોદીનું ખૂબ જ સમર્થન કરે છે. તેઓ અગાઉ પણ મોદીને વ્હોર્ટન અને અન્ય જગ્યાએ બોલાવી ચૂક્યા છે. આ તેમને સાથે લેવાનો સમય છે. • અમેરિકા અને ખાસ કરીને ન્યૂ યોર્કની આસપાસ કવેન્સબરી, ન્યૂ જર્સીમાં એડિસન સિટી ખાતે ગુજરાતીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વસે છે. • અમેરિકામાં ભારતીય સમુદાયના મોટા હિસ્સાએ મોદીના વિઝા વિવાદ અંગે અમેરિકી સરકાર ઉપર દબાણ કર્યું હતું. તેઓ તેમનો પણ આભાર માની શકશે. • ભારતીયોની વચ્ચે આખા અમેરિકાને સંબોધિત કરવા માટે ઐતિહાસિક મેડિસન સ્કવેર ગાર્ડન કરતાં શ્રેષ્ઠ જગ્યા બીજા કોઈ નથી.
મોદી શું નથી ઇચ્છતાં
• મોંઘી ટિકિટ વેચવી નહીં • કેશ ફોર ડિનર (નાણાં લઈને વડા પ્રધાન સાથે ભોજન લેવું)ઃ મોદીએ જણાવ્યું કે આ અમેરિકામાં ચાલે છે. ભારતના વડા પ્રધાનને શોભે નહિ. • દાતા સાથે ફોટા અંગે મોદીએ કહ્યું છે તેઓ નાણાં માટે કંઇજ જ નહીં કરે.
મેડિસન સ્કવેર ગાર્ડન કેમ પ્રખ્યાત છે
• વર્ષ ૧૯૭૧માં મોહમ્મદ અલી અને જો ફ્રેજર વચ્ચે ઐતિહાસિક બોક્સિંગ મુકાબલો અહીં જ યોજાયો હતો. • ૧૯૭૨માં એલ્વિસ પ્રીસ્લીએ સતત ચાર હાઉસફૂલ પરફોર્મન્સ આપ્યા હતા. • ખ્યાતનામ પોપ ગાયક એલ્ટન જ્હોન આ એરિનામાં ૬૪ શો કરી ચૂક્યા છે. • ૧૯૭૯માં પોપ જ્હોન પોલ બીજાએ અહીંથી જ ભાષણ આપ્યું હતું. • ૧૯૨૬માં બનેલી તે ઇમારત પોપ બેન્ડ બિટલ્સના શો માટે ચર્ચામાં રહી હતી. • અને હવે નરેન્દ્ર મોદી પ્રથમ વિદેશી શાસક હશે કે જે અહીં ભાષણ કરશે. આમ અહીં પ્રવચન કરીને નરેન્દ્ર મોદી ઇતિહાસ રચશે.