નસીબ પર કોને ભરોસો નથી હોતો ! જી હા, વાત છે મુંબઇની ઝુંપડપટ્ટીમાં રહેતા ૮ વર્ષના સન્ની પવારની. સન્ની આજકાલ હોલીવુડની લાયન ફીલ્મથી ખ્યાતી મેળવી રહ્યો છે. લાયન ફીલ્મમાં અભિનય કરનાર સ્લમડોગ મિલીયોનેર ફેમ દેવ પટેલ અને કો સ્ટાર નિકોલ કિડમેન બન્ને અોસ્કાર માટે નોમિનેટ થયા છે. તાજેતરમાં જ નિકોલ ૬૦મા એન્યુઅલ ડાયરેક્ટર્સ ગિલ્ડ અોફ અમેરિકા એવોર્ડ્ઝ સમારોહમાં બેવર્લી હિલ્સ ખાતે સન્ની સાથે જોવા મળી હતી. જ્યાં સન્ની હોલીવુડના ખેરખાં અભિનેતાઅોની હાજરીમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
મુંબઇની ઝુંપડપટ્ટીમાં માત્ર એક રૂમમાં રહેતા સન્નીના પિતા દિલીપ અને માતા વાસુ આ ચમકદમકથી ખુશ છે, તેમને આનંદ એ વાતનો છે કે સન્ની સાથે કોઇ જ ભેદભાવ રાખ્યા વગર હોલીવુડના કલાકારો તેને હુંફ અને અનેરો પ્રેમ આપી રહ્યા છે. આજકાલ દિલીપ અને સન્ની એક શહેરથી બીજા શહેર અને એક એવોર્ડ સમારોહથી બીજા સમારોહમાં ફરી રહ્યા છે અને સન્ની સૌની વાહવાહ અને પ્રેમ મેળવી રહ્યો છે.
લાયન એક એવા માસુમ બાળકની વાત છે જે એક દિવસ અચાનક ટ્રેનમાં ચઢી જતાં ગુમ થઇને કોલકાતા પહોંચી જાય છે. તેને અોસ્ટ્રેલીયન યુગલ દ્વારા દત્તક લેવાય છે જે બાળક સરૂ યુવાન થઇને પોતાની ગર્લફ્રેન્ડ સાથે પોતાનું મૂળ શોધતો મુંબઇ પહોંચે છે અને પોતાની માતા અને બહેનને મળે છે. બાળક સરૂના પાત્ર માટે પસંદ થયેલ સન્ની ૨,૦૦૦ બાળકોમાંથી પસંદ થયો હતો અને ફાઇનલમાં પસંદ થયેલ બાળકે રોલ માટે ના પાડતા સન્નીની પસંદગી થઇ હતી.