વોશિંગ્ટનઃ અમેરિકામાં વસતાં ભારતીય સમુદાયે ઘણા સંઘર્ષો અને અવરોધો પાર કરીને હવે દેશના સૌથી પ્રભાવશાળી ઇમિગ્રન્ટ ગ્રૂપોમાં સ્થાન હાંસલ કર્યું છે. ભારતીય અમેરિકન સમુદાયની સફળતા કહાની અમેરિકન ડ્રીમનો પીછો કરતાં ઇમિગ્રન્ટ્સ અને તેમના બાળકો માટે પ્રેરણારૂપ છે.
‘ઇન્ડિયાસ્પોરા ઇમ્પેક્ટ રિપોર્ટ: સ્મોલ કોમ્યુનિટી, બિગ કોન્ટ્રીબ્યુશન્સ’ નામના અહેવાલમાં જણાવાયું છે કે 2023માં અમેરિકામાં ભારતીયોની સંખ્યા આશરે 50 લાખ હતી. અમેરિકાની કુલ વસ્તીના માત્ર 1.5 ટકા હોવા છતાં છતાં તેઓ અમેરિકી સમાજના વિવિધ પાસાંઓ પર ઘણી મોટી અસર કરે છે. અમેરિકામાં જાહેર સેવા, બિઝનેસ, કલ્ચર અને ઇનોવેશન પર વિશેષ ધ્યાન કેન્દ્રીય કરીને ભારતીય સમુદાયે હાંસલ કરેલી સફળતાની અસરો જાણવા માટે બોસ્ટન કન્સલ્ટિંગે આ રિપોર્ટ તૈયાર કર્યો હતો.
આ અભ્યાસપૂર્ણ અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાની આર્થિક અસર પ્રભાવશાળી છે. ભારતીયો મોટી કંપનીઓની સ્થાપનાથી લઇને કરપાયામાં મોટો વધારો કરવા સહિતના ક્ષેત્રોમાં આર્થિક યોગદાન આપી રહ્યાં છે.
અમેરિકાની 16 ફોર્ચ્યુન-500 કંપનીઓના સીઈઓ ભારતીય મૂળ છે. તેમાં ગૂગલના સુંદર પિચાઈ અને વર્ટેક્સ ફાર્માસ્યુટિકલ્સના રેશ્મા કેવલરામાણીનો સમાવેશ થાય છે. આ સીઇઓ કુલ 27 લાખ અમેરિકનોને રોજગારી આપે છે તથા આશરે એક ટ્રિલિયન ડોલરની આવક ઊભી કરે છે.
72 યુનિકોર્નના સહસ્થાપક
ભારતીય-અમેરિકન સમુદાય સ્ટાર્ટ અપ્સ અને યુનિકોર્ન્સમાં પણ અવલ્લ છે. અમેરિકાનાં 648 યુનિકોર્ન્સ પૈકી 72 સ્ટાર્ટ અપ્સમાં તેનો સહસ્થાપક છે. આવી કંપનીઓ 15,000 લોકોને જોબ આપે છે. અને 195 બિલિયન ડોલરનું ઉપાર્જન કરે છે. કેમ્બ્રિજ મોબાઈલ ટેલિમેટિક્સ એન્ડ સોલ્યુજેન જેવી કંપનીઓ 55,000થી વધુ લોકોને રોજગારી આપે છે. આ ઉપરાંત અમેરિકાની કુલ હોટેલ્સ પૈકી 60 ટકા હોટેલની માલિકી ઇન્ડિયન અમેરિકનોની છે. ઇન્કમ ટેક્સમાં તેમનો હિસ્સો પાંચથી છ ટકા એટલે કે 250થી 300 બિલિયન ડોલર જેટલો છે. તેમના વ્યવસાયો દ્વારા 1.20 કરોડ અમેરિકનને જોબ મળે છે.
ફોર્ચ્યુન-500 કંપનીમાંથી 16નું સુકાન ભારતવંશીના હાથમાં
આ અભ્યાસમાં પબ્લિક સર્વિસ, બિઝનેસ સંસ્કૃતિ અને નવા સંશોધનો મામલે તેમનાં યોગદાનના મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવ્યું હતું. ઈન્ડિયા ડાયસ્પોરાની આર્થિક ક્ષેત્રે પ્રભાવક કામગીરી અને અસરોની તેમાં ખાસ નોંધ લેવામાં આવી હતી. નવી મોટી કંપનીઓ સ્થાપવાથી લઈને ટેક્સ બેઝમાં વધારો કરવાનાં પાસા આવરી લેવાયા હતા. તેમના ઉત્તમ નાણાકીય અને આર્થિક યોગદાન એવો નિર્દેશ કરે છે કે તેમના નવા વસાહતી દેશમાં પડકારો ઝીલીને તેઓ અર્થપૂર્ણ હિસ્સો નોંધાવવા પ્રતિબદ્ધ છે. ફોર્ચ્યુન 500 કંપનીઓ પૈકી 16 કંપનીના સીઇઓ મૂળ ભારતીય અમેરિકન છે. જેમાં ગૂગલનાં સુંદર પિચાઈથી લઇને વેર્ટેક્સ ફાર્માનાં રેશ્મા કેવલ રામાણીનો સમાવેશ થાય છે.
ટેક્સમાં 6 ટકા યોગદાન
અમેરિકાની ટેક્સની કુલ આવકમાં પણ નોંધપાત્ર યોગદાન હોવાનો ઉલ્લેખ કરીને અહેવાલમાં જણાવાયું છે કે કુલ વસ્તીના માત્ર 1.5 ટકા હોવા છતાં તેઓ સરકારની ઇન્કમ ટેક્સની કુલ આવકમાં 5થી 6 ટકા હિસ્સો આપે છે. આમ ઇન્ડિયન અમેરિકનો 250થી 300 બિલિયનનો ટેક્સ ભરે છે. તેમનો બિઝનેસથી અમેરિકામાં પરોક્ષ રીતે 1.1થી 1.2 કરોડ રોજગારીનું સર્જન થાય છે.
પેટન્ટમાં ભારતીયોનો હિસ્સો
1975 અને 2019ની વચ્ચે યુએસની કુલ પેટન્ટમાં ભારતીય મૂળના ઇનોવેટર્સનો હિસ્સો બે ટકાથી વધી 10 ટકા થયો હતો. ભારતીય મૂળના લગભગ 22,000 ફેકલ્ટી સભ્યો યુએસ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણાવી રહ્યા છે, જે અમેરિકાની કુલ ફુલ ટાઇમ ફેકલ્ટીના લગભગ 2.6 ટકા થાય છે.