વોશિંગ્ટનઃ એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં દાવો થયો છે કે નાસાએ ટ્રાન્સિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઈટની મદદથી એક ગ્રહ શોધી કાઢ્યો છે. પૃથ્વીથી ૫૩ પ્રકાશવર્ષના અંતરે આવેલો આ ગ્રહ પૃથ્વી જેવડો છે અને એમાં જીવન શક્ય હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. એક વર્ષ પહેલાં નાસાએ પ્લેનેટ હન્ટિંગ મિશન શરૂ કર્યું હતું, તેના ભાગરૂપે બ્રહ્માંડમાં નવા ગ્રહો શોધવાની પ્રક્રિયા હાથ ધરવાની હતી. એ મિશનને નોંધપાત્ર સફળતા મળી છે. એસ્ટ્રોફિઝિક્સ જર્નલમાં નાસાના વિજ્ઞાાનિકોને ટાંકીને રજૂ થયેલા અહેવાલમાં દાવો થયો હતો આ શોધ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે અને ગેમ ચેન્જર બની રહેશે.
પૃથ્વીથી ૫૩ પ્રકાશ વર્ષ દૂર આવેલો આ ગ્રહ જે સિસ્ટમમાં છે એ જ સિસ્ટમમાં નેપ્ચ્યુન જેવડો ગ્રહ પણ જોવા મળ્યો હતો. એ અવકાશી સિસ્ટમ આપણી ગેલેક્સી જેવી હોવાની શક્યતા વિજ્ઞાાનિકોએ વ્યક્ત કરી હતી અને તેમાં આપણી ગેલેક્સી જેવી રચના હોવાથી જીવસૃષ્ટિનો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે. ચિલીમાં ગોઠવાયેલું પ્લેનેટ ફાઈન્ડર ટેલિસ્કોપની મદદ મળી હતી અને આ ટેલિસ્કોપના આધારે જ પૃથ્વી જેવડો ગ્રહ હોવાનો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે.