નાસાના પ્રથમ કોમર્શિયલ યાનથી સુનિતા વિલિયમ્સ સહિત નવ અવકાશમાં જશે

Wednesday 08th August 2018 07:43 EDT
 

હ્યુસ્ટન: ભારતીય અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયન્સ સહિત ૯ અવકાશયાત્રીઓ વ્યવસાયિક રીતે ઉપલબ્ધ રોકેટ અને કેપસૂલ દ્વારા અંતરિક્ષ જવાના પ્રથમ મિશન માટે ઉડ્ડયન કરશે તેમ નાસાએ તાજેતરમાં જણાવ્યું છે. આ અભિયાન આગામી વર્ષે શરૂ થશે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ ઘણા વર્ષો પહેલા આ યાનના વિકાસ અને નિર્માણનો વિચાર કર્યો હતો. હવે આ કોમર્શિયલ ક્રૂ સ્પેસક્રાફ્ટના સ્વરૂપે અવકાશમાં મોકલવામાં આવી રહ્યું છે.
નાસાએ કરેલી જાહેરાત મુજબ પ્રથમ પ્રાયોગિક યાન પર ૯ અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે. નવા અંતરિક્ષયાનનું નિર્માણ અને સંચાલન બોઇંગ કંપની અને સ્પેસએક્સએ કર્યુ છે. નાસાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભવિષ્યના કોમર્શિયલ ક્રૂના અવકાશયાત્રીઓ સ્પેસ એક્સ એન્ડ બોઇંગસ્પેસના સહકારથી નિર્મિત યાન દ્વારા અવકાશની યાત્રાએ જશે. નાસાના સંચાલક જિમ બ્રાઇડન્સટાઇને ‘લોન્ચ અમેરિકા’ની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે અમેરિકન અવકાશયાત્રીઓને અમેરિકાની જમીનથી અમેરિકન રોકેટની મદદથી અવકાશમાં મોકલવા માટે તૈયાર છીએ. નાસાના આઠ સક્રિય અવકાશયાત્રી અને એક પૂર્વ અવકાશયાત્રી તથા ક્રૂ સભ્યને વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં બોઇંગ સીએસટી-૧૦૦ સ્ટારલાઇનર અને સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન મોકલવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter