વોશિંગ્ટન: ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થી ૧૨ વર્ષીય ઋષિ નાયરે ૫૦૦૦૦ ડોલરની (અંદાજે ~ ૩૩.૫ લાખથી વધુ) નેશનલ જિયોગ્રાફિક બી સ્પર્ધા જીતી લીધી છે. આ સાથે જ આ સ્પર્ધામાં ટોચના ત્રણ સ્થાનો પર ભારતીય મૂળના સ્પર્ધકોનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. ફ્લોરિડાના રહેવાસી ઋષિ નાયરે ૨૮મી વાર્ષિક નેશનલ જિયોગ્રાફિક બી સ્પર્ધામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધા અહીં નેશનલ જિયોગ્રાફિક મુખ્યાલયમાં યોજાઈ હતી. નેશનલ જિયોગ્રાફિક બી ચેમ્પિયન તરીકે ઋષિને ૫૦ હજાર ડોલરની કોલેજ સ્કોલરશીપ અને નેશનલ જિયોગ્રાફિક સોસાયટીનું આજીવન સભ્યપદ મળ્યું છે. આ સતત પાંચમું વર્ષ છે, જેમાં ભારતીય મૂળના કોઈ અમેરિકને આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય હરીફાઈ જીતી છે. તેમાં ધો. ૮માં ભણતા મેસેચ્યુસેટ્સના રહેવાસી ૧૪ વર્ષીય સાકેત જોન્નાલગાદા બીજા ક્રમે અને અલબામાનો ૧૨ વર્ષીય કપિલ નાથન ત્રીજા ક્રમે રહ્યો હતો.