ન્યૂ જર્સીઃ મોટા ભાગના લોકો ૬૦ની વય સુધી પહોંચતા પહોંચતા નિવૃત્ત થવાનું વિચારવા માંડે છે, અને જો કોઈની ઉંમર ૯૭ વર્ષ હોય તો તેમના માટે અન્યોની મદદ વગર રોજબરોજનાં કામ કરવાનું પણ મુશ્કેલ બની જાય છે. જોકે ન્યૂ જર્સીના પર્થ એમ્બોયમાં રહેતા ૯૭ વર્ષીય બેની ફિસેટો તો નિવૃત્ત થવા અંગે વિચારતા પણ નથી. તેઓ આજે પણ એક લોકલ સ્ટોરમાં અઠવાડિયામાં બે દિવસ ૪ કલાકની શિફ્ટમાં બેગબોયનું કામ કરે છે.
બેની ફિસેટો એક કોસ્મેટિક કંપનીમાં સુપરવાઇઝર હતા. જ્યાંથી તો ૧૯૮૦ના દાયકામાં નિવૃત્ત થઈ ગયા છે, પણ ત્યાર બાદ સતત કોઈને કોઈ કામ કરી રહ્યા છે. બેની કહે છે કે તેમને રોજ મહેનતનું કામ કરવું ગમે છે. તેઓ જણાવે છે કે માત્ર ૭ વર્ષની ઉંમરે તેમણે પહેલી વાર શૂઝ ચમકાવવાનું કામ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સ્કૂલ જતા થયા અને ત્યાંથી સૈન્યમાં જોડાઈ ગયા. બીજા વિશ્વયુદ્ધમાં તેમણે એરફોર્સમાં કામ કર્યું. તેઓ બી-૨૫ મિશેલ બોમ્બરમાં ગનર હતા. બેનીએ ઉત્તર આફ્રિકા અને ઇટાલીમાં લાંબો સમય વીતાવ્યો. તેમણે યુદ્ધમાં શું કર્યું હતું તેનું આજે મહત્ત્વ નથી પણ તેઓ જે રીતે તેમના હાલના કામ પર એક યોદ્ધાની જેમ પહોંચે છે, અને સંપૂર્ણ કટિબદ્ધતા સાથે પહોંચીને પહેલાં પોતાનું કામ પૂરું કરે છે તે પ્રેરક છે. કહે છે કે ચાર કલાકની શિફ્ટમાં તેઓ કોઈ બ્રેક નથી લેતા.
સ્ટોરના મેનેજર માઇક મૌસ કહે છે કે જો તેઓ બેનીને બ્રેક માટે કહે છે તો તેઓ મને એકિટશે જોઈને કહે છે કે ‘હું અટકવા નથી ઇચ્છતો અને મહેરબાની કરીને તમે મને કામ ન શીખવો... મારે માત્ર ૪ કલાક જ કામ કરવાનું છે તો હું બ્રેક શા માટે લઉં? કામ કરતી વખતે મને લાગે છે કે હું કંઈક સારું કરી રહ્યો છું. તમારી પાસે જીવતા રહેવાનું કોઈ કારણ હોવું જોઈએ અને મારી પાસે કામ કરવાનું આ જ કારણ છે. હું માત્ર વેતન માટે કામ નથી કરતો. તમારે હંમેશા કંઈ ને કંઈ યોગદાન આપતા રહેવું જોઈએ.’