વોશિંગ્ટનઃ અમેરિકાની એક કોર્ટે ન્યૂ જર્સીમાં મોબાઇલ ડાયગ્નોસ્ટિક કંપનીની માલિકી ધરાવતા ગુજરાતી દંપતીને કરોડો ડોલરનું હેલ્થ કેર કૌભાંડ આચરવા બદલ ૭.૭૫ મિલિયન ડોલર (આશરે રૂ. ૪૬ કરોડ) ચૂકવવાનો આદેશ કર્યો છે. કીર્તિશ એન. પટેલ અને નીતા કે. પટેલ નામના આ દંપતી છેતરપિંડી બદલ અગાઉ જ દોષિત જાહેર થયા છે.
સરકાર તરફે ફરિયાદમાં આરાપો મૂકાયો હતો કે ૫૩ વર્ષીય દંપતીએ છેતરપિંડીયુક્ત ડાયગ્નોસ્ટિક ટેસ્ટ રિપોર્ટ્સ ઊભા કર્યા હતા અને તે રિપોર્ટ્સ પર ફિઝિશિયનના ખોટા હસ્તાક્ષરો કર્યા હતા. આ પછી આવા રિપોર્ટ્સ માટે તેમણે મેડિકેરના બિલો બનાવ્યા હતાં. દંપતીએ જરૂરી ફિઝિશ્યનના સુપરવિઝન વગર ન્યૂરોલોજિકલ ટેસ્ટ્સ માટે મેડિકેરના બિલો બનાવ્યા હતાં. કોર્ટે ખાનગી વીમા કંપનીઓ સાથે છેતરપિંડી બદલ તોતિંગ દંડ ફટાકાર્યો હતો. આ દંપતી ઉપર આક્ષેપ હતો કે તેમણે ૨૦૦૬થી ૨૦૧૪ દરમિયાન ખોટા તબીબી પ્રમાણપત્રોના આધારે મેડીકેર અને વીમા કંપનીઓ પાસેથી ૪૩.૮૬ લાખ ડોલરથી વધુની રકમ મેળવી હતી. ન્યૂ જર્સીમાં મોબાઈલ ડાઈગ્નોસ્ટિક કંપની ચલાવતા આ દંપતીએ ડોક્ટરોની ખોટી સહી પણ કરી હોવાનું કોર્ટમાં સાબિત થયું હતું. છેતરપિંડીથી મેળવાયેલી માતબર રકમમાંથી દંપતીએ લક્ઝુરિયસ કાર્સ અને મકાન ખરીદયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ કેસ ફોલ્સ ક્લેઇમ્સ એક્ટની જોગવાઇઓ હેઠળ વ્હીસલબ્લોઅર દ્વારા નોંધાવાયો હતો. આ કાયદા અંતર્ગત છેતરપિંડી થયાનું જાણતા હોય તેવા ખાનગી નાગરિકો સરકાર વતી સિવિલ પગલાં લઇ શકે છે. આ કાયદા અંતર્ગત સરકાર પણ આવા દાવામાં દરમિયાનગીરી કરી શકે છે. આ કેસમાં સરકારે આ પગલું ભર્યું છે. સરકારના ધ્યાનમાં આવી ગેરરીતિ લાવનાર વ્યક્તિને રિકવર કરવામાં આવેલા ૭.૭૫ મિલિયન ડોલરમાંથી અંદાજે ૧૫થી ૨૫ ટકા હિસ્સો મળશે.
ચુકાદો ફરમાવતા કોર્ટે આકરા શબ્દોમાં દંપતીની ઝાટકણી કાઢી હતી અને આ કૃત્ય બદલ તેમના પર આકરો દંડ ફટકારવાની માગણીને માન્ય રાખી હતી.