ન્યૂ યોર્ક: ન્યૂ યોર્કના પોલીસ વિભાગમાં પહેલી શીખ પાઘડીધારી મહિલા અધિકારીની તાજેતરમાં ભરતી કરાઈ છે. આ શીખ મહિલાનું નામ ગુરસોચ કૌર છે. ન્યૂ યોર્ક પોલીસ શીખ ઓફિસર્સ એસોસિએશને જણાવ્યું છે કે શીખ ધર્મને સમજવામાં મદદરૂપ થવા અને અન્યોને પણ પોલીસ વિભાગમાં ભરતી થવા પ્રોત્સાહન આપવા આ ભરતી કરવામાં આવી છે. ગુસ્સોચ કૌર ન્યૂ યોર્ક સિટી પોલીસ એકેડમી ખાતેથી સ્નાતક થયાં છે. તેમને ન્યૂ યોર્ક પોલીસમાં ઓક્ઝિલિયરી પોલીસ અધિકારી તરીકેની ફરજ પર નિયુક્ત કરાયાં છે. તેનાથી ન્યૂ યોર્ક પોરીસ શીખ ઓફિસર્સ એસોસિએશન ગર્વ અનુભવે છે. ન્યૂ યોર્કના પોલીસ કમિશનર જેમ્સ ઓનિલે ૨૦૧૬માં જણાવ્યું હતું કે, ન્યૂ યોર્ક પોલીસમાં ૧૬૦ શીખ પોલીસ અધિકારી ફરજ બજાવી રહ્યા છે.
ડિસેમ્બર ૨૦૧૬માં ન્યૂ યોર્ક પોલીસ વિભાગે જણાવ્યું હતું કે, અમે શીખ પોલીસ અધિકારીઓને પાઘડી પહેરવા, દાઢી રાખવાની પરવાનગી આપીશું. જેથી લઘુમતી સમુદાયનાં વધુ લોકો પોલીસ વિભાગમાં ભરતી થાય. ન્યૂ યોર્ક પોલીસની સુધારેલી નીતિ પ્રમાણે શીખ અધિકારીઓેને પાઘડી પહેરવા તથા દાઢી રાખવાની પરવાનગી અપાય છે. ગુરસોચની ભરતી પછી રહેણાક અને શહેરી બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ન્યૂ યોર્ક પોલીસમાં પ્રથમ પાઘડીધારી શીખ મહિલાની ભરતી અમેરિકામાં શીખ ધર્મ અંગે વધુ સારી સમજણ આપવામાં મદદરૂપ બની રહેશે.