ન્યૂ યોર્કઃ મહાનગરમાં ભારતીય સમુદાય દ્વારા દેશભક્તિના અનેરા ઉત્સાહ સાથે ઇન્ડિયા ડે પરેડનું આયોજન કરાયું હતું. આ પરેડમાં અયોધ્યાના રામમંદિરની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરેડમાં ભાજપ સાંસદ-અભિનેતા મનોજ તિવારી, બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને તેમના પતિ ઝહીર ઇકબાલ તેમજ અભિનેતા પંકજ ત્રિપાઠી પણ ઉપસ્થિત રહ્યા હતા. હાથમાં તિરંગા સાથે લોકો સંગીતના તાલે દેશભક્તિના ગીતો પર મન મૂકીને નાચ્યા હતા.
ન્યૂ યોર્ક એટલે અમેરિકાનું ન્યૂ દિલ્હી
યુએન ખાતે ભારતના ડેપ્યુટી રિપ્રેઝન્ટેટિવ આર. રવીન્દ્રએ યુએનના પર્મેનેન્ટ મિશન ખાતે તિરંગો ફરકાવ્યો હતો. ન્યૂ યોર્ક સિટીની વોલસ્ટ્રીટ ખાતે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ન્યૂ યોર્ક સિટી મેયર ઓફિસના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણે ન્યૂ યોર્ક સિટીને અમેરિકાના ન્યૂ દિલ્હી તરીકે વર્ણવ્યું હતું.
તેમણે કહ્યું કે, આ વર્ષ તમામ માટે ઘણું ઐતિહાસિક છે, કારણ કે ન્યૂ યોર્ક શહેરના ઇતિહાસમાં પહેલી વાર દિવાળી નિમિત્તે શહેરની સ્કૂલો બંધ રહેશે. આ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્ય સન્માન સમાન છે.