ન્યૂ યોર્કઃ અમેરિકાના મહાનગર ન્યૂ યોર્કના લોઅર મેનહટનમાં થયેલા આતંકી હુમલાથી હેલોવીનની ઉજવણી રક્તરંજિત બની છે. એક ટ્રકચાલકે આનંદ-ઉલ્લાસ માણી રહેલા લોકો પર આડેધડ ટ્રક દોડાવીને આઠને જીવતાં કચડી નાખ્યાં હતાં. આ હુમલામાં ૧૧થી વધુ લોકોને ઈજા થઈ હતી. હુમલો કરતાં પહેલાં તેણે એક સ્કૂલવાનને પણ ટક્કર મારી હતી. આ પછી તેણે કેટલાક બાઇકચાલકો અને સાઇકલચાલકોને અડફેટે લીધા હતા અને ફૂટપાથ પર ટ્રક દોડાવીને હાહાકાર મચાવ્યો હતો. ટ્રકચાલક હુમલાખોર આતંકી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકોમાં પાંચ આર્જેન્ટિનાના અને એક બેલ્જિયમનો નાગરિક હોવાનું જાણવા મળે છે. હુમલો કર્યાના એક કલાક પહેલાં જ તેણે પોતાનો નાપાક મનસૂબો પાર પાડવા ટ્રક ભાડે લીધી હતી.
પોલીસે શકમંદ હુમલાખોરને પેટમાં ગોળી મારીને તેની ધરપકડ કરી હતી. હુમલાખોરની ઓળખ ૨૯ વર્ષના સૈફુલો સાઇપોવ તરીકે થઈ છે. તે હાલ ટેમ્પા ખાતે રહેતો હોવાનું અને ઉઝબેકિસ્તાનનો માઇગ્રન્ટ હોવાનું જાણવા મળે છે. ૨૦૧૦થી એ અમેરિકામાં રહેતો હતો. તેણે આતંકી હુમલા બાદ ટ્રક પાસે નોંધ લખેલી એક ચિઠ્ઠી ફેંકી હતી, જેમાં આઇએસ (ઇસ્લામિક સ્ટેટ) પ્રત્યે તેની નિષ્ઠા વ્યક્ત કરી હતી. આમ તેનું આતંકી કનેક્શન બહાર આવ્યું હતું. આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે મંગળવારે બપોરે બે વાગ્યે બની હતી.
અલ્લા...હુ...અકબર...ના નારા
ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું કે લોકો પર ટ્રક ચલાવીને કચડી નાખવામાં આવ્યા પછી હુમલાખોર અલ્લા...હુ...અકબર... અલ્લા...હુ...અકબરના નારા પોકારતો હતો. પોલીસે તેના પર ફાયરિંગ કરીને તેને ઘાયલ કર્યો હતો અને પીછો કરીને પકડી લીધો હતો. ઘટનાની તપાસ એફબીઆઈને સોંપવામાં આવી છે. આ ઘટના વેસ્ટસાઇડ હાઈવે પાસે થઈ હતી. ત્યાં નજીકમાં સ્કૂલ પણ આવેલી છે.
ઉલ્લેખનીય છે કે ઘટનાસ્થળની નજીર જ ૯/૧૧ હુમલામાં તોડી પડાયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું મેમોરિયલ પણ આવેલું છે. આ આખો વિસ્તાર દિવસભર લોકોની અવરજવરથી ધમધમતો રહે છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલાખોરે હડસન નદીને સમાંતર રોડ પર બાઇક વે અને સાઇકલ વે પર ટ્રક ચડાવી દીધી હતી, જેમાં ૮ લોકો કચડાઈ ગયાં હતાં. તેણે સ્કૂલવાન સાથે પોતાની ટ્રક અથડાવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક-બે બાળકોને સામાન્ય ઈજા થઇ હતી. અન્ય બાળકોનો આબાદ બચાવ થયો છે.
આઇએસનો સફાયો કરી નાંખશું: ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેનેલિયા ટ્રમ્પે મૃતકો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી. પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની ભૂમિ પર હવે આઇએસઆઇએસનું નામોનિશાન મિટાવી દેવાશે. અમેરિકામાં હવે પછી આવા હુમલા નહીં થવા દેવાય તેવું ટ્વિટ કર્યું હતું. ટ્રમ્પે હોમલેન્ડ સિક્યોરિટીને હવે પછી અમેરિકામાં આવતા પ્રવાસીઓની કડકમાં કડક ચકાસણી કરવાના આદેશો આપ્યા હતા. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ન્યૂ યોર્કમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી અને આકરા શબ્દોમાં વખોડી કાઢયો હતો. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે હમદર્દી દર્શાવી હતી.
લોન વૂલ્ફ એટેક
ન્યૂ યોર્કમાં થયેલો આ આતંકી હુમલો આઇએસઆઇએસ સ્ટાઇલનો લોન વૂલ્ફ એટેક હતો, જોકે આઇએસઆઇએસ દ્વારા હજી સુધી તેની જવાબદારી લેવામાં આવી નથી. પણ ગયા વર્ષે આવી જ રીતે ટ્રક લોકો પર ચલાવીને કેટલાક નિર્દોષોને કચડી નાખવામાં આવ્યાં હતાં. આ પછી આવા હુમલા કરવાની બ્લૂ પ્રિન્ટ આઈએસઆઈએસ દ્વારા ઘડી કાઢવામાં આવી હતી, જેમાં ઘાતક હથિયારો વિના જ લોકોને મોતને ઘાટ ઉતારવા માટે આતંકીઓને ઉશ્કેરવામાં આવ્યા હતા.