ન્યૂ યોર્કઃ શહેરના પોલીસ કમિશનરે શીખ પોલીસ અધિકારીઓને ફરજ દરમિયાન પાઘડી પહેરવાની મંજૂરી આપતી જાહેરાત કરી છે. આ પાઘડી વાદળી રંગની હશે અને તેના પર NYPDનું પ્રતીક હશે. વધુમાં NYPD ના ધાર્મિક સભ્યો અડધા ઈંચ સુધી દાઢી પણ રાખી શકશે. NYPD માં ૧૬૦ શીખ ફરજ બજાવે છે. અત્યાર સુધી તેઓ પટકા તરીકે ઓળખાતી નાની પાઘડી ઉપર કેપ પહેરતા હતા અને તેમને દાઢી વધારવાની પણ મનાઈ હતી.
મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં નવા પોલીસ કર્મચારીઓની ગ્રેજ્યુએશન સેરિમની બાદ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અમારી યુનિફોર્મની નીતિમાં આ ખૂબ મોટો ફેરફાર છે તેથી તેનો નિર્ણય ખૂબ સંભાળપૂર્વક લેવાયો છે. અમે NYPDને શક્ય તેટલું વિશિષ્ટ બનાવવા માગીએ છીએ અને હું માનું છું કે આ નિર્ણય અમને તેમાં મદદરૂપ થશે.
શીખ ઓફિસર્સ એસો.ના પ્રમુખ ગુરવિન્દરસિંઘે જણાવ્યું હતું કે શીખ સમાજ માટે આ ગૌરવની પળ છે. હવે હું પૂરી પાઘડી પહેરીને મારી ફરજ બજાવી શકીશ. હું ખૂબ રાહત અનુભવું છું. હવે ઘણાં શીખ ઓફિસર્સ પણ પોલીસમાં ભરતી થવા પરીક્ષા આપશે.