વોશિંગ્ટન: અમેરિકામાં બાળકો અને મહિલાઓના ન્યૂડ ફોટો-વીડિયો ઉતારવા બદલ ઓમર એજાઝ નામના 40 વર્ષના ભારતીય ડોક્ટરની ધરપકડ કરાઈ છે અને તેને 20 લાખ ડોલરના બોન્ડ પર જેલહવાલે કરાયો છે. ઓમરે તેની હોસ્પિટલના રૂમ્સ, બાથરૂમ્સ, ચેન્જિંગ એરિયા સહિતના સ્થળોએ તેમજ પોતાના ઘરે પણ છૂપા કેમેરા લગાવ્યા હતા. તેની પત્ની બાળકો-મહિલાઓના ન્યૂડ ફોટો-વીડિયો અંગે ફરિયાદ કર્યા બાદ તેના કરતૂત બહાર આવ્યા હતા. તેણે કેટલીક મહિલા દર્દીઓ બેભાન અવસ્થામાં હોય ત્યારે તેમની સાથે દુષ્કર્મ આચરી તેનું રેકોર્ડિંગ કર્યું હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે.
એજાઝના ઘરેથી કમ્પ્યૂટર્સ, ફોન્સ અને 15 એક્ષ્ટર્નલ ડિવાઈસ સહિતની વસ્તુઓ કબજે લેવાઈ છે, જે પૈકી એક હાર્ડ ડ્રાઈવમાંથી 13 હજાર ન્યૂડ વીડિયો મળી આવ્યા હતા. તેણે ક્લાઉડ સ્ટોરેજ પર વીડિયો અપલોડ કર્યાની પણ આશંકા છે. તેને હાલ ઓકલેન્ડ કાઉન્ટી જેલમાં રખાયો છે. તે એક કંપનીના કર્મચારી તરીકે જુદી જુદી હોસ્પિટલોમાં ફિઝિશિયન તરીકે સેવા આપતો હતો. તે 2011માં વર્ક વિઝા પર ભારતથી અમેરિકા ગયો હતો.