વોશિંગ્ટનઃ અમેરિકાના કેન્ટકીમાં ૩૧ વર્ષની યુવતીએ પતિ સાથે સંબંધ તૂટ્યા બાદ પોતાના ૬૦ વર્ષના સસરા સાથે લગ્ન કરી લીધા. હેરોડ્સબર્ગની રહેવાસી એરિકા કિવગ્ગ નામની આ યુવતી ૧૯ વર્ષની હતી ત્યારે તેના લગ્ન સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા જસ્ટિન ટોવેલ નામના એક યુવક સાથે થયા હતા. આ પ્રસંગે તેના સાવકા સસરા જેફ કિવગલે પણ એક વિધિમાં હાજરી આપી હતી. બસ, આ તેમનો પહેલો પરિચય.
એરિકા અને જસ્ટિનને લગ્ન બાદ એક બાળક પણ થયું, પરંતુ એકબીજા સાથે વધતા વિવાદોના કારણે ૨૦૧૧થી સંબંધોમાં તિરાડ પાડવાની શરૂ થઇ હતી. આ દરમિયાન એરિકાને સસરા જેફ ક્વિગલે ઘણો સહારો આપ્યો. વર્ષ ૨૦૧૭માં એરિકા અને જસ્ટિન ટોવેલના ડિવોર્સ થઇ ગયા. આના થોડાક સમય પછી સાવકા સસરાએ એરિકા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. થોડા સમયની વિચારણા બાદ ઉંમરમાં ૨૯ વર્ષનું અંતર હોવા છતાં બંને પતિ-પત્ની બની ગયા.
એરિકાએ એક દીકરીને જન્મ પણ આપ્યો છે, અને હવે બંને બાળકો પોતાની મા સાથે રહે છે. ઉંમરમાં ઘણું અંતર હોવા છતાં પણ આ બંનેએ પોતાના સંબંધોને લઇને ખુશી વ્યક્ત કરી. એરિકાએ કહ્યું કે, જસ્ટિનની બહેને જેફ (સાવકા સસરા) સાથે ઓળખાણ કરાવી હતી. જ્યારે તેમણે મને દુઃખના સમયમાં સહારો આપ્યો ત્યારે મને લાગ્યું કે તે મારો જીવનસાથી બની શકે છે.
એરિકાનું કહેવું છે કે, જેફનું દિલ હજુ પણ જવાન છે, આ મામલે હું તેના કરતા વધુ ઉંમરલાયક લાગું છું. એરિકાના પહેલા પતિ જસ્ટિને પણ બીજો લગ્ન કરી લીધા છે. એ બંને પોતાના પહેલા દીકરાને વારાફરતી સાથે રાખે છે. આ બંને પરિવાર આજુબાજુમાં જ રહે છે. ભૂતપૂર્વ પતિ જસ્ટિનનું કહેવું છે કે, અમારી વચ્ચે હવે બધું સારું છે. હવે કોઇ નફરત નથી. અમે અમારા દીકરા વિશે વાત કરીએ છીએ અને અમે બંને પોત-પોતાના-જીવનમાં આગળ વધી રહ્યા છીએ.
જેફ કહે છે કે, તેમને એરિકામાં પોતાની પહેલી પત્નીની ઝલક નજર આવે છે. તેમણે કહ્યું કે, અમે બંને એક બીજાની સાથે ખુશ છીએ અને દરેક ક્ષણનો આનંદ લઇ રહ્યા છીએ. અમે ઉંમરના અંતર પર ક્યારેય ધ્યાન નથી આપ્યું. અમે બસ એવા જ પ્રેમમાં પડી ગયા, જેવા અમે છીએ.