વોશિંગ્ટનઃ પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટે અમેરિકામાં એક ઓનલાઇન પીટિશન શરૂ કરવામાં આવી છે. અમેરિકાના વ્હાઇટ હાઉસને સંબોધીને દાખલ થયેલી આ ઓનલાઇન પીટિશનમાં પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવાની માગણી કરાઈ છે. પીટિશનમાં જોડાનારા અમેરિકનોની સંખ્યા દસ લાખ સુધી પહોંચી ગઈ છે. આ આંકડો ઓબામા સરકાર દ્વારા જવાબ આપવા માટે જેટલી સંખ્યા જોઇએ તેના કરતાં પાંચ ગણો વધુ છે. આ ઓનલાઇન પીટિશન ૨૧મી સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા શખ્સ દ્વારા ફાઇલ કરાઈ હતી. પીટિશનને વ્હાઈટ હાઉસ જવાબ આપે તે માટે ૩૦ દિવસમાં આશરે એક લાખ લોકોની સહીની જરૂર હતી, પણ તેના કરતા પાંચ ગણા વધુ લોકોએ આ પીટિશનને બહાલી આપી છે.
પીટિશનને પગલે હવે ઓબામા સરકારે આશરે ૬૦ દિવસમાં આ અંગે જવાબ આપવો પડશે. નોંધનીય છે કે કાશ્મીરના ઉરી હુમલા બાદ પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો મૂકવાનું શરૂ કર્યું છે. જેને પગલે અમેરિકામાં સેનેટર્સ દ્વારા પણ એક ખાસ ઠરાવ લાવવામાં આવ્યો અને જેમાં પાક.ને આતંકી દેશ જાહેર કરવાની માગ છે. હવે આ ઓનલાઇન પીટીશનને પણ સમર્થન મળતા પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવાની માગણી પ્રબણ બની રહી છે.