વોશિંગ્ટન: એક તરફ આતંકવાદીઓ તૈયાર કરવાના અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને આતંકવાદ વિરોધી સાબિત કરવાના પાક.ના મનસુબા ખુલ્લા પડી રહ્યા છે. અગાઉ અમેરિકાએ આતંકના ખાતમા માટે ફંડ આપવાની પાકિસ્તાનને ના પાડી દીધી હતી ત્યારે હવે મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં આરોપીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં પાકિસ્તાનની ઢીલી નીતિની અમેરિકાએ ટીકા કરી હતી.
અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને કહી દીધું છે કે જો આતંકીઓને છાવરવામાં આવશે તો તેને શાંખી નહીં લેવામાં આવે. પાકિસ્તાનને કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે પોતાના દેશમાં ચાલી રહેલી આતંકી પ્રવૃત્તિને બની શકે તેટલા ઝડપી બંધ કરે. અમેરિકાના વિદેશી બાબતોના પ્રવક્તા માર્ક ટોનરે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકીઓને છાવરે નહીં, તેના ખાતમા માટે અભિયાન ચલાવે. અમેરિકા પણ ઇચ્છે છે કે જે લોકો મુંબઇ હુમલામાં માર્યા ગયા છે તેમને અને તેમના પરિવારને ન્યાય મળે, મરનારામાં અમેરિકનોનો પણ સમાવેશ થાય છે. અને આ ન્યાય આપવાનું ત્યારે શક્ય બનશે જ્યારે પાકિસ્તાન પોતાની ધરતી પર ધમધમી રહેલા આતંકને ખતમ કરે.