નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદના મુદ્દે તેના બેવડાં ધોરણો માટે જાણીતું છે. વળી વર્ષોથી અમેરિકી સરકારો પણ આ બેવડાં ધોરણોને પોષતી આવી છે. પરિણામે પાકિસ્તાને આતંકવાદના સફાયાની માત્ર વાતો કરી છે. સફાયા માટે નક્કર કામગીરી કરી નથી. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનની આ ગરબડ ચલાવવાના મૂડમાં નથી. અમેરિકાસ્થિત યુ.એસ. રિપબ્લિકન હિન્દુ કોઅલિએશને દાવો કર્યો હતો કે પાકિસ્તાન મુદ્દે ટ્રમ્પ આકરા પાણીએ છે.
કોઅલિએશનના સ્થાપક અને ભારતીય-અમેરિકી ઉદ્યોગપતિ શાલાભકુમારે કહ્યું હતું કે ટ્રમ્પે પાકિસ્તાનને આ અંગે સંદેશો પણ આપી દીધા છે.
કુમાર ટ્રમ્પની ટુકડીમાં છે અને બીજી તરફ તેઓ ભાજપ અને આરએસએસની પણ નજીક છે.
પ્રચાર વખતે કુમારે ટ્રમ્પ માટે ૮, ૯૮, ૦૦૦ ડોલરનું ફંડ ભેગું કરી આપ્યું હતું.
ટ્રમ્પ માટે તેમણે ન્યુ જર્સીમાં રેલી પણ યોજી હતી. કુમારના દીકરી અને પૂર્વ મિસ ઈન્ડિયા મનસ્વી મામગાઈએ જણાવ્યું હતું કે ટ્રમ્પની શપથવિધિમાં બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઓ પણ જોવા મળશે.